- એક લેટેસ્ટ અભ્યાસમાં બહાર આવ્યું છે કે ચંદ્રમા પોતાનો આકાર બદલી રહ્યો
- આ માહિતીના કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો પણ હેરાન પરેશાન
- તમામ ભૂકંપોનું કેન્દ્ર નાસાના આર્ટિમસ અભિયાનની લેન્ડિંગ સાઇટ છે
એક લેટેસ્ટ અભ્યાસમાં બહાર આવ્યું છે કે ચંદ્રમા પોતાનો આકાર બદલી રહ્યો છે અને તે ધીરેધીરે સંકોચાઈ રહ્યો છે. આ માહિતીના કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો પણ હેરાન પરેશાન છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ચંદ્રમા પર જનારા ભવિષ્યના મિશનો માટે ખતરાની ઘંટી સમાન સ્થિતિ ઊભી થઈ છે કેમ કે સંશોધનકારોએ સ્પષ્ટ કહ્યું છે કે ચંદ્રમાના સંકોચાવાનું કારણ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર વધી રહેલાં ભૂકંપ અને વધતી જતી ખામીઓ તથા ફોલ્ટ લાઇન છે. આ તમામ ભૂકંપોનું કેન્દ્ર નાસાના આર્ટિમસ અભિયાનની લેન્ડિંગ સાઇટ છે. આ લેન્ડિંગ વર્ષ 2026મા થવાની સંભાવના છે. હવે સવાલ એ છે કે વૈજ્ઞાનિકો આ દાવો ક્યા આધાર પર કરી રહ્યા છે કે ચાંદનું કદ ઘટી રહ્યું છે. પ્લેનેટરી સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં વોશિંગ્ટનમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટયૂટના ટોમ વોટર્સનું કહેવું છે કે તેના મોડેલિંગના કારણે જાણકારી મળે છે કે નાના નાના ભૂકંપ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવના વિસ્તારોને હચમચાવી રહ્યા છે તથા તેને કારણે નવા ફોલ્ટ ક્રિએટ થઈ રહ્યા છે. આવી ઘટનાનો મતલબ એ છે કે ચંદ્રમા સંકોચાઈ રહ્યો છે. સંશોધનકારો માને છે કે ચંદ્ર પર આ નવા ફોલ્ટ દરેક સ્થાન પર ફેલાયેલાં છે અને એક્ટિવ થઈ શકે છે.
સંશોધનકારોના જણાવ્યા અનુસાર આર્ટિમસ અભિયાન માટે આ પ્રકારની ફોલ્ટ લાઇન નિર્ધારિત કરવી પડશે અને તેને અનુસાર લેન્ડિંગ કરાવવું પડશે. શક્ય છે કે ઉતરાણના સમયે જ લેન્ડિંગ માટે નવી જગાની જરૂર પડી શકે છે તેના માટે પહેલેથી જ તૈયારી કરવી જરૂરી છે. સંશોધનકારો કહે છે કે જે પ્રકારે ફોલ્ટ લાઇન દેખાઈ છે તેને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. નોંધનીય છે કે નાસાના લૂનાર રિકોનાયસેન્સ આર્બિટરના કેમેરાએ દક્ષિણ ધ્રુવની પાસે હજારો નાની નાની તથા યુવાન ફોલ્ટ લાઇનોની ઓળખ કરી છે.


