- પશ્ચિમ હિમાલય ક્ષેત્ર આસપાસના મેદાની વિસ્તારોમાં ચોથી ફેબ્રુઆરી સુધી વરસાદ પડવાની સંભાવના
- લઘુતમ તાપમાનમાં સામાન્ય વૃદ્ધિ થઈને 7-10 ડિગ્રી નોંધાયું છે
- કાશ્મીર ખીણમાં બરફની સફેદ ચાદર પથરાઈ
આગામી છ દિવસ સુધી ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો થવાનો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 31 જાન્યુઆરીએ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે ઠંડા પવનો વાશે. હવામાનમાંનો આ ફેરફાર ચાલુ અઠવાડિયાના અંત સુધીમાં ત્રણ વાર સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણાથી લઈને બિહાર સુધીના પટ્ટામાં આગામી ત્રણ દિવસ સુધી ક્યાંક હળવું તો ક્યાંક ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. વિભાગે ધુમ્મસ અંગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. પિૃમી હિમાલય ક્ષેત્રની આસપાસના મેદાની વિસ્તારોમાં ચોથી ફેબ્રુઆરી સુધી વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં અતિઠંડી અને ધુમ્મસ વચ્ચે સૂરજ સંતાકૂકડી રમી રહ્યો છે. એક દિવસ હૂંફાળો તડકો ખીલી ઊઠે છે તો બીજા દિવસે ધુમ્મસની ચાદર લપેટાઈ જાય છે. લગભગ એક અઠવાડિયાથી કુદરતનો આ નજારો જોવા મળી રહ્યો છે. રવિવારે દિવસે ઝાકળ અને ધુમ્મસ બાદ સોમવારે ઉઘાડ નીકળ્યો હતો. તેનાથી બર્ફીલી ઠંડીમાં રાહત તો મળી પણ જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને બર્ફીલી ઠંડીથી મોટા ભાગના વિસ્તારોમાં થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થયો હતો. લઘુતમ તાપમાનમાં સામાન્ય વૃદ્ધિ થઈને 7-10 ડિગ્રી નોંધાયું છે.
છેલ્લા થોડા સમયથી ઠંડીનો માર સહન કરી રહેલા પંજાબ અને હરિયાણામાં પણ પારો સામાન્યની નજીક પહોંચી ગયો છે. બંને રાજ્યની સંયુક્ત રાજધાની ચંડીગઢમાં સોમવારે સવારે લઘુતમ તાપમાન 7.4 ડિગ્રી નોંધાયું હતું. હરિયાણામાં ભિવાની ખાતે સૌથી ઓછું 7.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. રાજ્યના અન્ય ભાગો જેવા કે, સિરસા, કરનાલ, હિસાર, અને અંબાલામાં તાપમાન 8-10 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. જ્યારે પંજાબના લુધિયાણામાં 7.2 ડિગ્રી, અમૃતસર, પટિયાલા, ફરીદકોટ, ગુરદાસપુરમાં 8-10.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
કાશ્મીર ખીણમાં બરફની સફેદ ચાદર પથરાઈ
કાશ્મીર ઘાટીના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારથી બરફવર્ષા ચાલુ છે અને સોમવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડયો હતો. ગુલમર્ગ, સોનમર્ગ, અને સિંથમ જેવાં ટોચનાં પર્યટનસ્થળોએ પણ ભારે બરફ પડયો હતો. ગુરેજના સ્કી રિસોર્ટની સાથે જ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં ઊંચાં શિખરો પર હિમપાત થયો હતો. શ્રીનગર-લેહ ધોરીમાર્ગ પર જોજિલા અને દ્રાસમાં પણ બરફવર્ષા થઈ હતી. બઠિંડામાં રવિવારની રાત્રે તાપમાનનો પારો 6.6 ડિગ્રી પર નોંધાયો હતો.
બે વર્ષ બાદ સૌથી વધુ ઠંડો દિવસ
ચાલુ વર્ષના જાન્યુઆરીમાં કુલ પાંચ ઠંડા દિવસો રહ્યા, જે અગાઉનાં બે વર્ષોમાં સૌથી વધારે ઠંડીના દિવસ હતા. આની પહેલાં 2022 જાન્યુઆરીમાં સાત ઠંડા દિવસ હતા.


