- રોજ 30થી 45 કિલોમીટર ચાલ્યો હોવાનો હાલમાં સાણંદના ગોધાવીમાં રહેતા
- યુવાનનો દાવો, તીર્થધામ પહોંચવા 1000થી વધુ કિમીનું અંતર કાપ્યું
- શ્રી રામના નૂતન મંદિરના દર્શન કરી અયોધ્યામાં હસ્તીઓ સાથે મુલાકાત કરી
હિંમતનગર તાલુકાના દેધરોટા ગામનો 19 વર્ષીય યુવાન તા.ર ડિસેમ્બરે પગપાળા અયોધ્યા જવા રવાના થયો હતો. ત્યારબાદ તેને 45 દિવસમાં અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન કરી અહીં આવેલી અન્ય હસ્તીઓ સાથે પણ મુલાકાત કરીને તાજેતરમાં વતન પરત આવતાં હિંમતનગરના ધારાસભ્ય અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્વાગત કરાયું હતુ.
આ અંગેની વિગત એવી છે કે, દેધરોટા ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી ધંધાર્થે સાણંદ તાલુકાના ગોધાવી ગામે રહેતા ભવ્ય સુરેશભાઈ પટેલને અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રતિષ્ઠામાં હાજરી આપવાની ઈચ્છા થઈ હતી. એટલુ જ નહીં પણ વાહનનો ઉપયોગ કર્યા સિવાય તેઓ પગપાળા અયોધ્યા જવા માંગતા હતા ત્યારબાદ તેમણે ગત તા.ર ડિસેમ્બરના રોજ પદયાત્રાનો સંકલ્પ કરી તેને અમલમાં મુકી અમદાવાદથી પ્રારંભ કર્યો હતો. ભવ્ય પટેલના દાવા મુજબ, તે દરરોજ અંદાજે 30થી 45 કિમીનું અંતર કાપી 45 દિવસ બાદ અયોધ્યા પહોંચ્યો હતો. યુવકે કુલ 1000થી વધુ અંતર કાપ્યું હોવાનું જણાવ્યું હતું. જયાં તા.રરમી જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સાક્ષી બન્યો હતો. ભવ્ય પટેલે રસ્તામાં થયેલા સારા પ્રસંગોને વર્ણવ્યા હતા. જોકે અયોધ્યા પગપાળા જતા અગાઉ અન્ય મિત્રોને જણાવ્યુ હતુ પરંતુ કોઈ તૈયાર ન થતાં ચલ અકેલાની જેમ નિકળી પડયો હતો.


