- ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી
- સિટી પોલીસે રિક્ષા અને ચોરીના સામાન સહિતની મતા સાથે દબોચ્યો
- રિક્ષા સહિત રૂપીયા 40 હજારની મત્તા સાથે ઝડપી
ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામે રહેતા ખેડૂતના ખેતરમાંથી જુલાઈ 2022માં પમ્પ સહિતના સામાનની ચોરી થઈ હતી.આ અંગે તા.22 જુલાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમે આ ચોરીને અંજામ આપનાર શખ્સને ચોરીના સામાન અને રિક્ષા સહિત રૂપીયા 40 હજારની મત્તા સાથે ઝડપી લીધો છે.
ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામે રહેતા દલસુખભાઈ દેવશીભાઈ છાસીયા ખેતી કરે છે. તેઓની વસાડવાની સીમમાં 8 એકર ખેતીની જમીન આવેલી છે.જુલાઈ 2022માં તેઓએ ખેતરમાં કપાસનું વાવેતર કર્યુ હતુ. જેમાં કપાસને પાણી પીવડાવવા વાડીની સામે નદીકાંઠે મશીન મુકયુ હતુ. તા. 18 જુલાઈના રોજ સવારે આવીને મશીન ચાલુ કરતા મશીનનો ઉપરનો હેડ, બ્લોક પીસ્ટન, અંદરનો રોડ, નોઝલ પમ્પ સહિતનો સામાન કોઈ ચોરી ગયાની જાણ થઈ હતી. આથી તેઓએ તા. 22 જુલાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે રૂપીયા 25 હજારની કિંમતનો સામાન ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી આ ચોરીનો ગુનો અનડીટેકટ હતો. આ દરમીયાન ધ્રાંગધ્રા સીટી પીઆઈ જે.એસ.ઝાંબરે સહિતની ટીમને આ ચોરીને અંજામ આપનાર ધ્રાંગધ્રામાં નંબર પ્લેટ વગરની રિક્ષા લઈને ફરતો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના જુની ખરાવાડમાં આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા 21 વર્ષીય ઈસ્મત ઉર્ફે બોખો અવેશભાઈ જામને રિક્ષા અને ચોરીનો સામાન સહિત રૂપીયા 40 હજારની મત્તા સાથે ઝડપી લેવાયો હતો.


