- ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા લોકા કલાકો રાહ જોઇ પરત ચાલ્યા ગયા
- બુધવાર સાંજથી સર્વર ખોટકાયેલું, ગુરુવાર સાંજ સુધી ધાંધિયા યથાવત્ રહ્યા
- લાઇસન્સની કામગીરી બંધ રહેતા 50 હજાર લોકોને પરેશાની
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સર્વર ડાઉન થતાં બપોર 3 વાગ્યા સુધી 37 આરટીઓ-એઆરટીઓ કચેરીમાં વાહનના લાઇસન્સની કામગીરી બંધ રહેતા 50 હજાર લોકોને પરેશાની ભોગવી પડી હતી. બુધવાર સાંજથી જ સર્વર ખોટકાતું હતું. આ પછી ગુરુવાર સાંજથી જ ધાંધિયા શરુ થઇ ગયા હતાં. વાહનના ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ રહેતા લોકો કલાકો રાહ જોઇ પરત ચાલ્યા ગયા હતાં. બપોર પછી જૂના-નવા વાહનના ડોક્યુમેન્ટ અપલોડ નહીં થતાં વાહન ડિલરો અને માલિકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
રાજ્યની 37 આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં વાહનના પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા આરટીઓમાં આવેલા અરજદારોને કલાકો રાહ જોઇને પરત જવું પડયું હતું. અરજદારોને ફરી એપોઇન્ટમેન્ટ લેવાની જરુર નહીં. આજના દિવસનો લેટર લઇને આવશે તો તેઓ સપ્તાહમાં ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકશે. આ સિવાય પાકાં લાઇસન્સના રીન્યુ, ડુપ્લીકેટ, એડ્રેસ ચેન્જ અને એન્ડોસની કામગીરી પણ બંધ થઇ ગઇ હતી. ઓનલાઇન કામગીરી થઇ શકી નહતી. વાહનવ્યવહાર કમિશનર કચેરીના અધિકારીએ કહ્યું કે, ટેકનીકલ કારણસર સર્વર ઠપ થઇ ગયું હતું. બપોર પછી કામગીરી શરૂ થઇ હતી.
અરજી એપ્રૂવલ થઇ પણ ડેટા ન બદલાતા કામગીરી બંધ કરાઇ
RTOના સર્વરમાં પ્રથવાર ટેકનીકલ ક્ષતિ બહાર આવી હતી. જેમાં લાઇસન્સ સબંધિત કરેલી અરજી ઇન્સ્પેકટર દ્વારા એપ્રુવલ કરાઇ હતી, પણ ડેટા નહીં બદલાતા એટલે કે, જૂના ડેટા જ રહેતા અંતે કામગીરી બંધ કરાઇ હતી. જેના લીધે એપ્રુવલની કામગીરી થઇ શકી ન હતી.


