- બજેટ 2024 પર પ્રતિક્રિયા આપતા કરી દીધી ન કરવાની વાત
- “દક્ષિણ ભારતના રાજ્યો સાથે કેન્દ્ર સરકાર કરે છે અન્યાય”: ડિકે સુરેશ
- નિવેદન બાદ વિવાદ સર્જાતાં આખરે કરવી પડી સ્પષ્ટતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ગુરુવારે 01 ફેબ્રુઆરીના રોજ પોતાના બીજા કાર્યકાળ માટે વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કર્યા બાદ તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ ક્રમમાં, કર્ણાટક કોંગ્રેસના નેતા અને ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશએ કંઈક એવું કહ્યું જેનાથી હોબાળો મચી ગયો. જોકે, બાદમાં તેમણે ખુલાસો પણ કર્યો હતો.
બજેટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા, કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે જ્યારે ફંડ આપવાની વાત આવે છે, ત્યારે દક્ષિણ ભારતને હંમેશા અવગણવામાં આવે છે. બાદમાં, તેમણે કહ્યું કે આ આખરે તેમને દેશના દક્ષિણી ભાગ માટે અલગ દેશની માંગ કરવા માટે મજબૂર કરશે.
‘એક અલગ દેશની માંગ માટે…’
બજેટ પર પ્રતિક્રિયા આપતા ડીકે સુરેશે કહ્યું, “કેન્દ્ર સરકાર ફંડ ફાળવતી વખતે દક્ષિણ ભારતની અવગણના કરી રહી છે. તેઓ ઉત્તર ભારત, ખાસ કરીને હિન્દી ભાષી રાજ્યોને વધુ ભંડોળ ફાળવે છે. આ સ્થિતિ નથી બદલાઈ રહી અને જો આમ જ ચાલતું રહેશે તો તે આપણને હિન્દી ભાષી પટ્ટાથી અલગ થવા અને અલગ દેશની માંગણી કરવા માટે ઉશ્કેરશે. આપણે જે લાયક છીએ તે મેળવવું જોઈએ.”
આખરે કરવી પડી ચોખવટ…
જોકે, તેમના નિવેદનથી હોબાળો મચી ગયો હતો. સ્થિતિને જોતાં બાદમાં આ અંગે સ્પષ્ટતા કરતા ડીકે સુરેશે કહ્યું કે તેઓ “ગૌરવ ભારતીય અને કોંગ્રેસમેન” તરીકે ભારતની એકતા અને અખંડિતતા સાથે ઉભા છે. તેમણે કહ્યું, “એક ગૌરવપૂર્ણ ભારતીય અને એક ગૌરવપૂર્ણ કન્નડીગા! દક્ષિણ ભારત અને ખાસ કરીને કર્ણાટકને ફંડ આપવામાં અન્યાયની નિર્દયતાનો સામનો કરવો પડ્યો છે. GST ફાળો આપનાર બીજા ક્રમનું સૌથી મોટું રાજ્ય હોવા છતાં, કેન્દ્ર કર્ણાટક અને દક્ષિણના રાજ્યો સાથે અન્યાય કરી રહ્યું છે, જ્યારે ગુજરાત જેવા રાજ્યોમાં 51 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આ અન્યાય નથી તો શું છે?”


