- અત્યાર સુધીમાં 29,000 નકલી પેઢી ઝડપી લઈ 44,015 કરોડની ચોરી પકડાઈ
- જીએસટી ફ્રોડ કરનારાઓ પર કેન્દ્ર સરકારે ગાળિયો કસ્યો છે
- ગયા વર્ષના મે મહિનાથી ડ્રાઈવ ચલાવાઈ હતી
જીએસટી ફ્રોડ કરનારાઓ પર કેન્દ્ર સરકારે ગાળિયો કસ્યો છે. ચાલુ નાણાવર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિકમાં કેન્દ્ર સરકારે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના દેશભરમાં 1,700 નકલી કેસો શોધી કાઢયા છે. ITC સિન્ડિકેટ બનાવીને આ લોકોએ લગભગ 18 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. GSTની આ છેતરપિંડીના મામલામાં 98 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર, DGGIએ એપ્રિલ 2023થી લઈને ડિસેમ્બર 2023 સુધી સતત આ નકલી સિન્ડિકેટની ધરપકડ કરી હતી. ચાલુ નાણાવર્ષમાં GST ઇન્ટેલિજન્સનો સંપૂર્ણ ભાર નકલી રીતોથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ રહેલા લોકો પર રહ્યો હતો. DGGIએ દેશભરમાં આવી સિન્ડિકેટ ચલાવી રહેલા લોકોની ધરપકડ કરી છે. ટેક્સચોરી કરનારા લોકો સામે ગાળિયો કસવામાં એડવાન્સ ટેક્નોલોજીએ ખૂબ મદદ કરી છે. ડેટા એનાલિસિસ દ્વારા આવા કેસ પકડવામાં આસાની રહી હતી.
ગયા વર્ષના મે મહિનાથી ડ્રાઈવ ચલાવાઈ હતી
ગયા વર્ષના મે મહિનાથી કરચોરી પકડી લેવા વિશેષ ડ્રાઈવ ચલાવાઈ હતી. આઈટીસી ચોરી કરતી 29,273 બોગસ પેઢી તેમાં સંકળાયેલી હોવાનું જણાયું હતું. આ પેઢીઓએ 44,015 કરોડની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. નાણામંત્રાલયે 3,802નું આઈટીસી બ્લોક કરી તથા 844 કરોડની વસૂલાત કરી 4,646 કરોડ બચાવ્યા છે. હજુ પણ નાણામંત્રાલય આ પ્રકારના દરોડા પાડવાનું ચાલુ રાખશે.


