- ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં જ ઉત્પાદન
- માર્ચ 2023 સુધીમાં 32.75 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઇ હતી
- સોલર પ્લાન્ટ દ્વારા કેનાલમાંથી એક વર્ષમાં 9 મિલિયન પાણીનું બાષ્પીભવન થતું અટકે છે
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલ બેંક – ટોપ સોલર પાવર પ્લાન્ટ વડોદરામાં સમા -સાવલી રોડ વિસ્તારમાં આવેલો છે. નર્મદા નિગમની વડોદરા શાખા ઉપરના સોલર પાવર પ્લાન્ટમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં જ 2.83 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. જ્યારે માર્ચ 2023 સુધીમાં 32.75 કરોડ યુનિટ વીજ ઉત્પાદન થયું છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા સત્તાવાર અહેવાલમાં જણાવાયું છેકે, વડોદરા શાખા નહેર ઉપરના કુલ 35 મે.વો. ક્ષમતાના બે કેનાલ ટોપ (કુલ 20 મે.વો.ક્ષમતા) તથા બે કેનાલ બેંક સોલર પાવર પ્લાન્ટ (કુલ 15 મે.વો. ક્ષમતા) દ્વારા આ ઉત્પાદન કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નવેમ્બર 2014માં 10 મે.વો.ક્ષમતાનો સોલર પાવર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટ કેનાલ ટોપ સોલર ફોટોવોલ્ટેઇક ગ્રીડ સાથે જોડાયેલા પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટને 11 જાન્યુઆરી 2015ના રોજ યુનોના સેક્રેટરી જનરલ બાન કી મુન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યો હતો. એક અભ્યાસ મુજબ એક મેગાવોટ સોલર પ્લાન્ટ દ્વારા કેનાલમાંથી એક વર્ષમાં 9 મિલિયન પાણીનું બાષ્પીભવન થતું અટકે છે.


