- અજીત પવાર જૂથ જ અસલી NCP: ચૂંટણી પંચ
- શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો
- અજીત પવારના પક્ષમાં ચૂંટણી પંચનો નિર્ણય
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજ્યમાં અસલી NCPને લઈને ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સંભળાવ્યો. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવારના જૂથો વચ્ચે ચાલી રહેલા અસલી NCPના વિવાદમાં ચૂંટણી પંચે આખરે ચુકાદો સંભળાવ્યો છે અને અજીત પવાર જુથને જ અસલી NCP ગણાવી છે. ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. આ નિર્ણય પીઢ રાજકારણી અને અજીતના કાકા શરદ પવાર માટે મોટો ફટકો છે.
માહિતી અનુસાર, છ મહિનાથી વધુ ચાલેલી 10 થી વધુ સુનાવણી બાદ આજે ચૂંટણી પંચે NCPમાં વિવાદનું સમાધાન કર્યું અને અજિત પવારના નેતૃત્વવાળા જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો. હવે NCPનું નામ અને ચૂંટણી ચિન્હ ‘ઘડિયાળ’ અજિત પવાર પાસે રહેશે.
હવે શરદ પવાર પાસે શું છે વિકલ્પ?
ચૂંટણી પંચે શરદ પવારને એક નવી રાજકીય પાર્ટી બનાવવા માટે એક નામનો દાવો કરવા અને આયોગને ત્રણ પ્રથમિક્તાઓ આપવા માટે વિકલ્પ આપ્યો છે. આ છૂટનો ઉપયોગ 7 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 3 વાગ્યા સુધી કરી શકાશે.
શું છે NCP વિવાદ?
ગત વર્ષે, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી, જ્યારે અજિત પવારે NCPમાં બળવો કર્યો હતો. પાર્ટીમાં વિભાજન થયા બાદ NCP પર અંકુશ મેળવવા માટે કાકા-ભત્રીજા સામસામે આવી ગયા હતા. અજિત પવાર જૂથે ચૂંટણી પંચમાં એફિડેવિટ દાખલ કરી હતી. તો, શરદ પવાર જુથ પણ ચૂંટણી પંચમાં એક ચેતવણી દાખલ કરીને વિનંતી કરી હતી કે પક્ષની લડાઈ અંગે કોઈપણ સૂચનાઓ પસાર કરતા પહેલા તેમને સાંભળવામાં આવે. ત્યારબાદ, ચૂંટણી પંચે દસ્તાવેજોની તપાસ કરી અને બંને પક્ષોની દલીલો સાંભળી.


