- 1.15 લાખ કરોડ રૂપિયાના કુલ લેણાંમાંથી 1.14 લાખ કરોડ રૂપિયાથી વધુ ચૂકવાયા
- ઉત્તર પ્રદેશની ત્રણ સુગર મિલો પર માત્ર 516 કરોડ રૂપિયા બાકી
- કેન્દ્રીય મંત્રીના દાવા પર વિપક્ષના સભ્યોએ પ્રતિક્રિયા આપતા આંકડા ખોટ ગણાવ્યા
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સુગર મિલોએ દેશના ખેડૂતોના શેરડીના 99 ટકાથી વધુ લેણાં ચૂકવ્યા છે, જે 1.15 લાખ કરોડ રૂપિયાના કુલ લેણાંમાંથી 1.14 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે એમ પણ કહ્યું કે હવે ઉત્તર પ્રદેશની ત્રણ સુગર મિલો પર માત્ર 516 કરોડ રૂપિયા બાકી છે, જેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ, ગ્રાહક બાબતો અને ખાદ્ય મંત્રી ગોયલે જણાવ્યું હતું કે 2013-14માં શેરડીના ભાવ તરીકે ખેડૂતોને 57,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
પહેલા બે-ત્રણ વર્ષે ચૂકવાનું થતું હતું: પિયુષ ગોયલ
બે-ત્રણ વર્ષ બાદ ખેડૂતોને શેરડીના લેણાં ચૂકવવામાં આવતા હતા. જોકે, 2022-23માં શેરડીના ઉત્પાદનમાં દોઢ ગણો વધારો થયો હતો અને શેરડીની બાકી રકમ 1,15,000 કરોડ રૂપિયા રહી હતી. તેમણે કહ્યું, “આમાંથી 1,14,000 કરોડ રૂપિયા ખેડૂતોને સમયસર ચૂકવવામાં આવ્યા છે, જે 99 ટકાથી વધુ છે.” જો કે કેન્દ્રીય મંત્રીના આ દાવા પર વિપક્ષના કેટલાક સભ્યોએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને દાવો કર્યો હતો કે આંકડા સાચા નથી.
ગોયલે કહ્યું કે સુગર મિલોની ઉત્પાદકતા વધી છે, સહકારી મિલો સક્રિય બની છે અને તેઓ નફાકારક છે. આ સાથે મિલ કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત બની રહી છે. તેમણે કહ્યું કે 10-12 વર્ષ પહેલા સુગર મિલોમાં અશાંતિની ઘટનાઓ બની હતી અને શેરડીના ખેડૂતોને તેમના લેણાં ન મળતા તેઓએ વિરોધ કરવા માટે રસ્તા પર આવવું પડ્યું હતું.
સુગર મિલોનું દેવું ઘટાડવા સરકારે પગલાં લીધાં
ગોયલે જણાવ્યું કે, “2014માં ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દૂરંદેશી દ્વારા, સુગર ક્ષેત્રના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘણા પગલાં લીધા હતા. આમાં સુગરની મિલોને વ્યાજબી કિંમતો પૂરી પાડવાનો, તેમનું દેવું ઘટાડવાનો પણ સમાવેશ થાય છે.” તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત ઇથેનોલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેથી સુગર મિલોને શેરડીના ખેડૂતોને ચૂકવણી કરવામાં મદદ મળે.”
કેન્દ્રીય મંત્રી ગોયલે જણાવ્યું કે પહેલા પેટ્રોલમાં માત્ર 1 ટકા ઇથેનોલ ભેળવવામાં આવતું હતું પરંતુ હવે તે 12 ટકા છે જે 1200 ટકાનો વધારો છે. ગોયલે કહ્યું, “આ પગલાંથી સુગરની મિલોને પૈસા મળવા લાગ્યા છે અને તેઓ સધ્ધર બની રહ્યા છે. આનું પરિણામ એ છે કે 99 ટકા ખેડૂતોને સમયસર તેમના લેણાં મળી રહ્યા છે. આ માટે દેશભરમાં ખેડૂતો દ્વારા ક્યાંય પણ કોઈ ફરિયાદ કે કોઈ આંદોલન નથી થઈ રહ્યા.” મંત્રીએ કહ્યું કે ઇથેનોલનું મિશ્રણ પર્યાવરણ માટે પણ સારું છે. તેમણે ઉમેર્યું કે “તેને પરિણામે, બળતણનો વપરાશ ઓછો થાય છે અને આપણે વિદેશી હૂંડિયામણ બચાવી શકીએ છીએ.”


