- રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં CPની PC બાદ યુવતીનો ઘટસ્ફોટ
- પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ બલ્ગેરિયન યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
- ગમે ત્યારે પોલીસ રાજીવ મોદી વિરુદ્ધ સમન્સ પાઠવાશે
કેડિલા ગ્રૂપના CMD રાજીવ મોદી સામે સેક્સટોર્શન અને દુષ્કર્મની ફરિયાદ કરનારી બલ્ગેરિયન યુવતીના વકીલે થોડા દિવસો અગાઉ પોલીસ કમિશનર તેમજ અન્ય પોલીસ અધિકારીઓને ઈ-મેઇલ કરીને પીડિતા ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે બે વખત પીડિતાનું નિવેદન લેવા માટે તેના વકીલનો સંપર્ક કર્યો હતો, પરંતુ પીડિતાએ નિવેદન નોંધવા માટે આવી ન હતી. બીજી તરફ, પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ઘટસ્ફોસ્ટ થયો કે, બલ્ગેરિયન યુવતી મુંબઈ એરપોર્ટથી ગત.24 જાન્યુઆરીએ વતન જવા માટે રવાના થઈ હતી. આ ઉપરાંત, ACP હિમાલા જોષી સામે થયેલા આક્ષેપમાં તેઓ જ્યારે ફરજ પર હાજર થશે ત્યારે તેમની પૂછપરછ કરીને સેક્ટર 1 જેસીપી નિવેદન નોંધશે. આ કેસના મુખ્ય આરોપી રાજીવ મોદીને પણ બે વખત નિવેદન નોંધવા માટે નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ તેઓ બંને વખત નિવેદન નોંધાવવા માટે સોલા પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા નથી. આથી ગમે ત્યારે પોલીસ રાજીવ મોદી વિરુદ્ધ સમન્સ પાઠવાશે.
બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે બુધવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સ બાદ મોડી સાંજે બ્લ્ગેરિયન યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, હું ભારત છોડીને નથી ગઈ, મારા જીવને જોખમ હોવાથી હું સુરક્ષિત સ્થળે જતી રહી છું. મારી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હું જે ટેક્સીમાં બેઠી હતી તે ડ્રાઇવર પર મહારાષ્ટ્ર પોલીસનો ફેન આવ્યો હતો અને તે મને કોઈ જગ્યાએ લઈ જવા માગતો હતો. હું કેબ-ડ્રાઇવરને લોકેશન ચેન્જ કરવાનું કહી ઊતરી ગઈ હતી. મારી ફેમિલી પણ ખતરામાં છે. મને એ નથી સમજાતું કે બધા પુરાવા આપ્યા પછી પણ કેમ ઓથોરિટી કોઈ પગલાં નથી લેતી?
દુષ્કર્મ કેસમાં કોર્ટના આદેશથી બલ્ગેરિયન યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં પીડિતાને પણ નિવેદન નોંધવા માટે અવારનવાર પોલીસે યુવતીના વકીલને જાણ કરી હતી પરંતુ તે નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવતી ન હતી. આ વચ્ચે યુવતી ગુમ થયાની જાણ પીડિતાના વકીલે અમદાવાદ પોલીસ કમિશનર, તપાસ અધિકારી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઇ-મેઇલથી જાણ કરી હતી. બીજી તરફ, રાજીવ મોદીના HR મેનેજર જોન્સન મેથ્યુને બે વખત નોટિસ પાઠવતા અંતે તે સોલા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધવા માટે હાજર રહ્યો હતો. મેથ્યુ સહિત 65 વ્યકિતઓના આ કેસમાં પોલીસ દ્વારા નિવેદન નોંધાયા છે. યુવતી ગુમ અંગે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, પીડિતા તા, 24 જાન્યુઆરીએ છેલ્લે મુંબઈ એરપોર્ટથી રવાના થઈ હતી.
વકીલ અને યુવતી વચ્ચેની ચેટ
યુવતીનો વકીલને છેલ્લો મેસેજ 24 જાન્યુઆરી મળ્યો હતો, જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે ગુંડાઓ તેનો પીછો કરે છે. તેને અગોરા મોલથી બહાર ધકેલી રોડ ઉપર લાવ્યા છે, તે ભયભીત છે. યુવતી અને વકીલ વચ્ચેની વાતચીત આ પ્રમાણે છે.
યુવતી : હું બહાર જઈ શકું એમ નથી, તેમણે કાલે મને મારવાની કોશિશ કરી
વકીલ : શું થયું કાલે, શું કોઈ તારા રૂમમાં ઘૂસી ગયું હતું.
યુવતીઃ તે લોકો કેબ-ડ્રાઈવર સાથે મળેલા હતા, સાંજે એક અજાણી જગ્યાએ કાર ઊભી રાખી દીધી, આ લોકોને એવું લાગે છે કે પોલીસ મારી સાથે ઇચ્છા હોય એમ વર્તન કરી શકે છે. મૂર્ખ કેબ-ડ્રાઈવર તેનો ફોન મારી સામે રાખીને વાત કરતો હતો. તેના સ્ક્રીન પર મહારાષ્ટ્ર પોલીસ દેખાઈ રહ્યું હતું.
વકીલઃ તું આ બધું એફ્ડિેવિટમાં લખી શકે છે. JCP તારું સ્ટેટમેન્ટ લેવા મળવા માગે છે. ડિપાર્ટમેન્ટલ તપાસ ચાલુ કરવા માટે. હું શું જવાબ આપું?
યુવતીઃ પોલીસ ગમે ત્યારે વીડિયો કોન્ફરન્સ થકી તમારી અને યુરોપના વકીલ સાથે વાત કરી શકે છે.


