- સવારના સમયે ધુમ્મસભર્યા વાતાવરણ અને રાતના સમયે ઝાકળવર્ષા
- ગુરુવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 16.8 ડિગ્રી નોંધાયો
- છેલ્લા 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ પણ 5.3 ડિગ્રીનો ઘટાડો
ઝાલાવાડમાં છેલ્લા થોડા દિવસથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. દિવસે સુસવાટા મારતા સુકા પવનો અને મોડી સાંજે હળવી ઠંડીનો ચમકારો જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ હતુ. છેલ્લા થોડા દિવસોથી બપોરના સમયે ઉનાળા જેવો તડકો પડતો હતો અને લોકોને પોતાના ઘરો અને ઓફીસોમાં એસી અને પંખા ચાલુ કરવાની ફરજ પડી હતી. ત્યારે જિલ્લામાં વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. જેના લીધે લોકોને કબાટમાં મુકી દીધેલા ગરમ વસ્ત્રો બહાર કાઢવાની ફરજ પડી છે. છેલ્લા પાંચ દિવસના તાપમાન પર નજર કરીએ તો તા. 4થીએ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 18.8 ડીગ્રી નોંધાયુ હતુ. જેની સામે તા. 8મીને ગુરૂવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 16.8 ડીગ્રી નોંધાયુ છે. આમ, પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2.0 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જયારે મહત્તમ તાપમાન પણ ઘટયુ છે. છેલ્લા 5 દિવસમાં મહત્તમ તાપમાન પણ 5.3 ડીગ્રી નીચે ગયુ છે. જિલ્લામાં રાત્રિના અને વહેલી સવારે હજુ પણ ઠંડીનો ચમકારો રહે છે. જિલ્લામાં સવારે વાતાવરણ ધુમ્મસભર્યુ થઈ જાય છે. જયારે રાત્રે ઝાકળ પડે છે.


