- પાકિસ્તાન 179, સ્ટાકર 6/24, ઓસ્ટ્રેલિયા 9/181, રઝા 4/34
- સ્ટાકરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો
- પાકિસ્તાનના આઠ ખેલાડીઓ બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા
છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને એક વિકેટે હરાવીને આઇસીસી અંડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. રવિવારે પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટ્રોફી માટે મુકાબલો થશે. ભારતના ક્રિકેટ સમર્થકોને 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલનું પુનરાવર્તન જોવા મળશે. પાકિસ્તાનના 179 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં નવ વિકેટે 181 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રનચેઝ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઓપનર હેરી ડિક્સને 75 બોલમાં 50 તથા મિડલ ઓર્ડરમાં ઓલિવર પીકેએ 75 બોલમાં 49 રન બનાવીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે અલી રઝાએ 34 રનમાં ચાર વિકેટ હાંસલ કરી હતી. પાકિસ્તાનની ઇનિંગમાં અઝાન અવૈસે 91 બોલમાં બાવન તથા અરાફત મિનહાસે 61 બોલમાં બાવન રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી. પાકિસ્તાનના આઠ ખેલાડીઓ બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયા માટે ટોમ સ્ટાકરે 24 રનમાં છ વિકેટ હાંસલ કરીને પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપ વેરવિખેર કરી નાખી હતી. સ્ટાકરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


