- ભારત અગાઉ બે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ચૂક્યું છે
- ભારતનો ઉદય સહારન, મુશીર ખાન તથા સૌમ્ય પાંડે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં
- બંને ટીમ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે, બપોરે 1:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે
આઇસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપમાં રવિવારે પાંચ વખતની ચેમ્પિયન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં સાઉથ આફરીકાને બે વિકેટે હરાવ્યું હતું. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારે રસાકસી બાદ પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં પરાજય આપ્યો હતો. ઓવરઓલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક વર્ષની અંદર ત્રીજી વખત ફાઇનલ રમાશે. અગાઉ જે બે મુકાબલા રમાયા હતા તેમાં ભારતને પરાજયનો સામનો કરવો પડયો હતો. ગયા વર્ષની સાતમીથી 11મી જૂન સુધી લંડનના ધ ઓવર ખાતે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 209 રનના માર્જિનથી પરાજયનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ 19મી નવેમ્બરે રમાયેલી મેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારતનો છ વિકેટે પરાજય થયો હતો. આ મુકાબલો બપોરે 1:30 કલાકથી શરૂ થશે. સુકાની ઉદય સહારનની કેપ્ટનશિપ હેઠળની ટીમ સિનિયર ટીમના વર્લ્ડ કપમાં થયેલા પરાજયનો હિસાબ ચૂકતે કરવાના તમામ પ્રયાસ કરશે. ભારતની જેમ ઓસ્ટ્રેલિયાએ પણ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એક પણ મેચ ગુમાવ્યા વિના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી અંડર-19 વર્લ્ડ કપમાં બે વખત ફાઇનલ રમાઈ છે અને બંને વખત ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. જો ભારતીય ટીમ ત્રીજી ફાઇનલમાં પણ વિજય હાંસલ કરશે તો ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ જીતવાની હેટ્રિક નોંધાવશે. ભારત અગાઉ 2012 અને 2018ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ચૂક્યું છે.
અંડર-19 વર્લ્ડ કપમાં ભારત સૌથી સફળ ટીમ
ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ છે અને પાંચ વખત ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે 2000, 2008, 2012, 2018 તથા 2022માં વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત ભારત 2016 અને 2020માં રનર્સ-અપ રહ્યું હતું. ભારત છઠ્ઠી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. ભારત બાદ ઓસ્ટ્રેલિયાએ સર્વાધિક ત્રણ વખત 1998, 2002 તથા 2010માં ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત પાકિસ્તાન બે વખત, બાંગ્લાદેશ, સાઉથ આફરીકા, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ એક-એક વખત વિજેતા બન્યું હતું. ભારતે 2016 બાદની તમામ ફાઇનલ રમી છે.
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં ત્રણ ભારતીય
અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ રમાય તે પહેલાં આઇસીસીએ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટના એવોર્ડની રેસના દાવેદાર જાહેર કર્યા હતા જેમાં ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ છે. સુકાની ઉદય સહારને છ મેચમાં 64.83ની સરેરાશથી 389 રન અને મુશીર ખાને છ મેચમાં 67.60 રનની એવરેજથી 338 બનાવ્યા હતા. સૌમ્ય પાંડેએ છ મેચમાં 8.47ની સરેરાશથી 17 વિકેટ હાંસલ કરી છે. ભારત ઉપરાંત સાઉથ આફરીકાનો ક્વેન મફાકા અને સ્ટિવ સ્ટોલ્ક, ઓસ્ટ્રેલિયાનો હ્યૂઝ બેઇબગન, પાકિસ્તાનનો ઉબેદ શાહ તથા વેસ્ટ ઇન્ડિઝનો જ્વેલ એન્ડ્રયુ પણ એવોર્ડની રેસમાં છે.


