- હલ્દવાનીમાં પણ બંધ ઇન્ટરનેટ સેવા બહાલ થઇ
- માત્ર હિંસા થઈ હતી તે બનભુલપુર વિસ્તારમાં સંચારબંધી યથાવત્ રખાઈ
- પોલીસ અધિકારીઓ હજી આ મુદ્દે કાંઇપણ કહેવા ઇનકાર કરી રહ્યા છે
ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભુલપુરા ખાતે મલિકના બગીચામાં દબાણ દૂર કરતી વખતે હોબાળો અને હિંસા સર્જાઇ હતી. આ ઘટનાક્રમના સૂત્રધાર અબ્દુલ મલિકની ધરપકડ થઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી અને ઉત્તરાખંડ પોલીસની સંયુક્ત ટીમે મલિકની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. જોકે પોલીસ અધિકારીઓ હજી આ મુદ્દે કાંઇપણ કહેવા ઇનકાર કરી રહ્યા છે. પોલીસ હજી સુધી 60થી વધુ લોકોની ધરપકડ કરી ચૂકી છે. સર્ચ ઓપરેશન ચલાવીને બે નિવૃત્ત નગરસેવક સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે દરમિયાન દિલ્હીથી અબ્દુલ મલિકની પણ ધરપકડ થઇ હોવાના અહેવાલ છે.
હલ્દવાનીમાં હિંસાની ઘટના પછી રવિવારે ઇન્ટરનેટ સેવા બહાલ થઇ હતી. ઉત્તરાખંડ પોલીસે એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જો કોઇપણ વ્યક્તિ જો સોશિયલ મીડિયા મંચ પર કોમી એખલાસ તેમ જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પ્રભાવિત કરતી ઉશ્કેરણીજનક પોસ્ટ કરશે, વીડિયો મૂકશે કે કોમેન્ટ કરશે તો તેના વિરુદ્ધ કડક કાયદેસરના પગલાં લેવાશે.’ બનભુલપુરને બાદ કરતાં બાકી વિસ્તારોમાંથી સંચારબંધી દૂર કરાઈ છે. સંચારબંધી અમલી છે તે વિસ્તારોમાં વહીવટી ટીમ દૂધ, રાશન અને દવા પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે.
જમીનની દેખરેખ કરતાં કરતાં મલિક માલિક બની ગયો
જે ભૂમિને મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, તે જમીન પર અનેક પેચ છે. જમીન કોઇકને કૃષિ કાર્ય માટે મળેલી છે. તે જમીન કોઇકને વેચી દેવામાં આવી છે. તે પછી તે જમીન અબ્દુલ મલિકના પિતાને ભેટમાં મળે છે. તે પછી જમીન મલિક પાસે આવે છે. બનભુલપુર વિસ્તારના રહીશોનું કહેવું છે કે સંસ્થાનવાદી સમયમાં સરકારે મોહમ્મદ યાસીનને વર્ષ 1937માં જમીન ખેતી માટે લીઝ પર આપી હતી. અબ્દુલ મલિક અને સફિયા મલિક જમીનની દેખરેખ કરી રહ્યા હતા. સફિયા મલિકના વકીલે નગરપાલિકાની 30 જાન્યુઆરીની ડિમોલિશન નોટિસ વિરુદ્ધ 6 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.


