દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાઇ
અગ્ર ગુજરાત, દીવ
દીવના વણાંકબારા ખાતે ‘શિવબંદર ફિશ સપ્લાયર્સ એસોસિએશન’ની એક અગત્યની જનરલ મીટિંગ પ્રમુખ ઉમેશભાઈ બામણિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં બંદરના માછીમારોના પડતર પ્રશ્નો અને આગામી સીઝનને લગતા મહત્ત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં દિનેશભાઈ બારીયાએ સમગ્ર અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ સભાને સંબોધતા પ્રમુખ ઉમેશભાઈ બામણિયાએ તાજેતરમાં માંગરોળ ખાતે મળેલી બેઠકના નિર્ણયોનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે, દરેક બંદર પર મજબૂત એસોસિએશનની રચના કરવામાં આવશે.
બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં નવી માછીમારી સીઝન શરૂ થાય તે પહેલાં જ વેપારીઓ પાસે માછીમારોનું જેટલું પણ પેમેન્ટ બાકી છે તે તમામ ચૂકવી દેવાનું રહેશે. જો કોઈ વેપારી માછીમારોને સમયસર પેમેન્ટ નહીં ચૂકવે, તો તેની સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કે લેતી-દેતી કરવામાં આવશે નહીં. એસોસિએશન દ્વારા માછીમાર ભાઈઓની દરેક નાની-મોટી સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ બેઠકના નિર્ણયોથી વણાંકબારા બંદરના માછીમારોમાં સુરક્ષા અને એકતાનો નવો સંચાર થયો છે.


