- લંપટ સુપરવાઈઝર સામે છેડતી અને એટ્રોસિટીની ફરીયાદ
- ડેરીમાં ચીઝના કાર્ટૂન ભરવાના રૂમમાં મહિલાની છેડતીનું કાંડ રચાયું
- સુરેશ પ્રજાપતિએ મહિલા પાસે આવી મહિલા પાસે શરીર સુખની માંગણી કરી હતી
મહેસાણાના પાલાવાસણા ચોકડી નજીક આવેલ વિમલ ડેરીના ચીઝ પ્લાન્ટમાં સુપરવાઈઝર દ્વારા મહિલા વર્કર સાથે શારીરિક સબંધ બાંધવાની માંગ કરી છેડતી કરવામાં આવી હતી. મહિલાની આબરૂ લેવા જબરજસ્તી કરતા લંપટ શખ્સે મહિલાનું સ્વેટર ફડી નાખ્યું હતું. અને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કરી હતી. સમગ્ર મામલે મહિલાએ મહેસાણા તાલુકા પોલીસ મથકે છેડતી અને એટ્રોસિટીની ફરીયાદ નોંધાવી હતી. મહેસાણાની એક 24 વર્ષીય મહિલા પાલાવાસણા ખાતે આવેલ વિમલ ડેરીના ચીજ પ્લાન્ટમાં છેલ્લા 7 માસથી નોકરી કરતી હતી. જ્યાં ગત તા.10 ફેબ્રુના રોજ તેના પ્લાન્ટમાં સાથે કામ કરતા ખેરવા ગામના ધવલ પરમારે તેની પાસે આવી હાજરીનો ચોપડો લઈ તેને પ્લાન્ટ સુપરવાઈઝર સુરેશભાઈ પ્રજાપતિ ચીજના કાર્ટૂન ભરવાના રૂમમાં બોલાવે છે તેમ કહેતા મહિલા અને ધવલ બન્ને જણા ચોપડો લઈ તે રૂમમાં સુરેશભાઈ પાસે ગયેલ હતા. જ્યાં સુરેશભાઈએ ધવલને બહાર જવાનું કહી મહિલાને ગઈ કાલે કેમ નથી આવી તેવો સવાલ કરતા મહિલાએ પોતે ઘરે સામાજિક કામે રોકાયેલ હોવાની વાત કરી હતી. જેથી સુરેશ પ્રજાપતિએ મહિલા પાસે આવી મહિલા પાસે શરીર સુખની માંગણી કરી હતી અને મહિલા સાથે છેડતી અને ઝપાઝપી કરતાં મહિલા તેનાથી બચવા ભાગવા જતા તેનું સ્વેટર ફાટી ગયું હતું. મહિલા ભાગી જતા લંપટ સુપરવાઇઝરે તેને જાતિ વિષયલ અપશબ્દો બોલી અપમાનિત કરી વારંવાર શરીરસુખની માંગણી કરતો રહ્યો હતો. મહિલા ભાગીને ડેરી બહાર આવી પોતાના ઘરે પહોંચી હતી. જ્યાં રસ્તામાં તેના પગમાં પણ ઇજાઓ પહોંચી હતી. મહિલા સમગ્ર છેડતી કાંડની હકીકત પોતાની સાસુને જાણ કરતા મહિલાનો પરિવાર લંપટ શખ્સને ઠપકો આપવા ડેરી પ્લાન્ટ પર ગયો હતો. જ્યાં તે શખ્સ હાજર મળી આવ્યો ન હતો. જેથી મહિલાએ લંપટ શખ્સ સામે છેડતી અને એટ્રોસિટીની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસે મહેસાણા શહેરના ઉચીંશેરીમાં રહેતા ડેરીના ચીઝ પ્લાન્ટના લંપટ સુપરવાઈઝર સુરેશ પ્રજાપતિ સામે ગુનો નોંધી વધુતપાસ આદરી હતી.


