- સાંસદો મોહન મંડાવી, ભગીરથ ચૌધરીએ ઉદાહરણ સ્થાપિત કર્યું
- ઉત્તરપ્રદેશના હમીરપુરમાંથી ચૂંટાયેલા ભાજપના પુષ્પેન્દ્રસિંહ ચંદેલ સૌથી સક્રિય સાંસદ
- સની દેઓલ અને શત્રુઘ્ને કોઇ ચર્ચામાં ભાગ ના લીધો
ભારતીય જનતા પાર્ટીના બે સાંસદો મોહન મંડાવી અને ભગીરથ ચૌધરીએ એક આગવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. બન્ને સાંસદોએ 17મી લોકસભા દરમિયાન પોતાની 100 ટકા હાજરી પુરાવી છે. સંયોગથી બન્ને સાંસદ પહેલીવાર જ સાંસદ બન્યા છે અને બન્ને એકબીજાની બાજુની બેઠક ધરાવે છે. બંને સાંસદોએ 100 ટકા હાજરીથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.
મંડાવીએ જણાવ્યું હતું કે મને જે કામ સોંપવામાં આવ્યું છે તેને હું સંપૂર્ણ જવાબદારી સાથે પૂર્ણ કરી રહ્યો છું. નોંધનીય છે કે PRS લેજિસ્લેટિવ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા અનુસાર 17મી લોકસભામાં સરેરાશ હાજરી 79 ટકા રહી છે. આ આંકડા અનુસાર ઉત્તરપ્રદેશના હમીરપુરમાંથી ચૂંટાયેલા ભાજપના સાંસદ પુષ્પેન્દ્રસિંહ ચંદેલ સૌથી સક્રિય સાંસદ રહ્યા છે. આ સાંસદે 17મી લોકસભામાં 1194 ચર્ચાઓમાં ભાગ લીધો હતો.
તેના પછીના ક્રમે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાંથી ચૂંટાયેલા સભ્ય કુલદીપરાય શર્મા સૌથી સક્રિય સભ્ય હતા. તેમણે 833 ચર્ચાઓમાં ભાગ લીધો હતો. બસપાના સાંસદ મલૂક નાગરે 582 ચર્ચાઓમાં ભાગ લીધો હતો જ્યારે ધર્મપુરીથી દ્રમુકના સાંસદ સેંથીલ કુમારે 307 ચર્ચામાં ભાગ લીધો હતો.
સની દેઓલ અને શત્રુઘ્ને કોઇ ચર્ચામાં ભાગ ના લીધો
જો કે 17મી લોકસભામાં નવ સાંસદો એવા પણ હતાં જેમણે સમગ્ર ટર્મ દરમિયાન એકપણ ચર્ચામાં ભાગ લીધો ન હતો. આ નવ સાંસદોમાં અભિનેતા, પંજાબના ભાજપ સાંસદ સની દેઓલ અને શત્રુઘ્ન સિન્હાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17મી લોકસભામાં ભાજપ સાંસદ રમેશ જિગજિનાગી, બીએન બાચેગૌડા, પ્રધાન બરુઆ, અનંત કુમાર હેગડે પણ એવા સાંસદો હતાં જેમણે સમગ્ર ટર્મ દરમિયાન કોઇ ચર્ચામાં ભાગ લીધો ન હતો.


