- ઉજ્જૈન બુલડોઝર પગલાં અંગે હાઇકોર્ટની ટિપ્પણી
- ડિમોલિશન પગલાં લેનારા અધિકારીઓ સામે કાર્યવાહીનો કોર્ટનો આદેશ
- આરોપી સામે આક્ષેપ છે કે તે ખંડણીખોર છે
ફોજદારી કેસના આરોપીઓ વિરુદ્ધ બુલડોઝર એક્શન લેવાને મુદ્દે મધ્યપ્રદેશ હાઇકોર્ટે કડક ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે, ‘યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ઘરોને તોડી પાડવા તે મુલ્કી અધિકારીઓ માટે ફેશનેબલ બની રહ્યું છે.’ હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે રાહુલ લંગરીના ઘરને તોડી પાડવાના કેસમાં આ ટિપ્પણી થોડા દિવસ પહેલાં આપી હતી. આરોપી સામે આક્ષેપ છે કે તે ખંડણીખોર છે અને તેણે જે વ્યક્તિને ધાકધમકી આપીને મારપીટ કરી લીધી હતી તેણે આત્મહત્યા કરી લીધી હતી. તે પછી લંગરીની ધરપકડ કરીને તેને જેલમાં પૂરી દેવાયો હતો. પોલીસે તે પછી મુલ્કી અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો અને ઉજજૈનમાં તેના બે માળના ઘરને તોડી પાડયું હતું. લંગરીની પત્ની રાધાએ કોર્ટનો આશરો લીધો હતો. પત્નીએ રજૂઆત કરી હતી કે મકાનના પૂર્વ માલિક રાઇસા બીના નામે નોટિસ આપવામાં આવી હતી. સાંભળ્યા વિના બીજા જ દિવસે મકાન તોડી પાડવામાં આવ્યું હતું. રાધાએ રજૂઆત કરી હતી કે મકાન ગેરકાયદે નહોતું. હાઉસિંગ બોર્ડમાં નોંધાયેલું મકાન હતું. મકાન ખરીદવા તેમણે બેન્ક લોન લીધી હતી.
જસ્ટિસ વિવેક રસીઆએ ડિમોલિશનને ગેરકાયદે ઠેરવીને રાધા લંગરી અને તેની સાસુ વિમલા ગુર્જરને રૂપિયા 1-1 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યા હતા.


