- સામરવરણીના રહીશે પેટ્રોલ પંપ ખોલવાના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવ્યા
- ઓનલાઈન મળેલા ઠગે પોતે પેટ્રોલિયમ મિનિસ્ટ્રીનો કર્મચારી ગણાવ્યો
- રકમ મોકલ્યા બાદ બન્ને છેતરપિંડી કરનાર વ્યક્તિઓના મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યા હતા
દાદરા નગર હવેલીના સામરવરણી ગામમાં રહેતા એક વ્યક્તિએ પેટ્રોલપંપ ખોલવાના ચક્કરમાં ઠગની જાળમાં ફસાવાનો વારો આવ્યો છે. ગુગલ પે ઉપર મળેલા ઠગે પોતાને પેટ્રોલ મંત્રાલયનો કર્મચારી ઓળખ આપી તમામ પ્રક્રિયાઓ કરાવીને પેટ્રોલપંપ ચાલુ કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ પાસેથી 63 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી દીધી હતી
ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, જયેશ ત્રિભુવન હિંડોચા પેટ્રોલપંપ ખોલવાની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ તેઓ મિ.નટવરલાલનો શિકાર બની ગયા હતા. જયેશ હિંડોચાએ 1થી 3 જાન્યુઆરી દરમિયાન ગુગલ પર પેટ્રોલ પંપ કેવી રીતે ચાલુ કરવું તેની માહિતી માટે સર્ચ કર્યું હતું. જેમાં મળેલા ફોર્મને જયેશભાઈએ ઓનલાઇન સબમીટ કર્યું હતું. આ ફોર્મ સાથે કોઈ ઠગે ગુગલ પર પોતાનો નંબર પણ રાખ્યો હતો. આથી જયેશભાઈ તે કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરતા તે શખ્સે જયેશભાઈને જણાવ્યું હતુ કે, હું પેટ્રોલિયમ મંત્રાલયમાંથી બોલું છું, જો તમારે પેટ્રોલપંપ ખોલવો હોય તો મારા બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવી પડશે. જયેશ હિંડોચાએ ઓનલાઈન રકમ મોકલવા માટે ડી.કે.ઓઝા નામના બીજા ઠગે વિશ્વાસ અપાવ્યો હતો. બન્ને ઠગ ઉપર ભરોસો કરીને જયેશભાઈએ તે ઈસમોના બેંક એકાઉન્ટમાં 63,20,500 રૂપિયા ‘ગુગલ પે’ કરી દીધા હતા. રકમ મોકલ્યા બાદ બન્ને છેતરપિંડી કરનાર વ્યક્તિઓના મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યા હતા.


