- અદાલત મિત્રએ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિગતો રજૂ કરી
- મોટાભાગની મહિલા કેદીઓ જેલમાં આવી ત્યારે કે પેરોલ પરથી પરત ફર્યા બાદ સગર્ભા હતી
- મહિલા જેલોના સુરક્ષા ઓડિટની જરૂર : અદાલત મિત્ર
પશ્ચિમ બંગાળની જેલોમાં છેલ્લા ચાર વર્ષમાં કુલ 62 બાળકોનો જન્મ થયો હોવાનું અને તેમને જન્મ આપનારી મોટાભાગની મહિલા કેદીઓ જેલમાં આવી ત્યારે સગર્ભા હોવાનું અદાલત મિત્રએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરેલી વિગતોમાં જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે
પશ્ચિમ બંગાળની જેલોમાં મહિલા કેદીઓ ગર્ભવતી થયાના આરોપો મામલે ગયા અઠવાડિયે નોંધ લીધી હતી. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની મદદ માટે અદાલત મિત્ર નીમાયેલા સિનિયર લૉયર ગૌરવ અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે પશ્ચિમ બંગાળની જેલોમાં મહિલા કેદીઓ દ્વારા બાળકોને જન્મ આપવા મામલે તેમને ગત 10 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના પોલીસ અધિકારી પાસેથી છેલ્લા ચાર વર્ષની વિગતો મળી છે, જે મુજબ ચાર વર્ષમાં રાજ્યની જેલોમાં 62 બાળકોનો જન્મ થયો. મોટાભાગની મહિલા કેદીઓ જેલમાં લવાઇ ત્યારે સગર્ભા હતી જ્યારે કેટલાક કિસ્સામાં મહિલા કેદીઓ પેરોલ પરથી જેલમાં પાછી ફરી ત્યારે સગર્ભા હતી. અગ્રવાલે ઉમેર્યું હતું કે જેલોમાં મહિલા કેદીઓની બેરેક્સમાં સુરક્ષા ઉપાયો સમજવા તેમણે દિલ્હી, રાજસ્થાન અને હરિયાણાની જેલોના અધિકારીઓ સાથે વાત કરી હતી. દિલ્હીની તિહાર જેલ સહિત કેટલીક જેલોમાં મહિલાઓ માટે અલાયદી જેલ છે.
મહિલા જેલોના સુરક્ષા ઓડિટની જરૂર : અદાલત મિત્ર
અદાલત મિત્રએ એમ પણ કહ્યું કે દેશની મહિલા જેલો અને મહિલા બેરેક્સનું સંપૂર્ણ સુરક્ષા ઓડિટ કરાવવાની જરૂર છે. સાથે જ મહિલા જેલોમાં ચિકિત્સા સુવિધાઓની તપાસ કરાવવાની પણ જરૂર છે. જેલોમાં જે બાળકો છે તેમને ક્રેચ, શિક્ષણ તથા અન્ય સુવિધાઓની ઉપલબ્ધતા બાબતે પણ તપાસ થવી જોઇએ.


