- રિઝર્વ બેન્કના ગવર્નરે પેટીએમ વિરુદ્ધ થઇ રહેલી કાર્યવાહીની સમીક્ષા કરવા કર્યો ઇનકાર
- રિઝર્વ બેન્ક ટૂંકસમયમાં એફએક્યૂ જારી કરશે
- પેટીએમના શેરોમાં 45 ટકાથી વધુનો ઘટાડો
પેટીએમ પેમેન્ટ બેન્કની મુશ્કેલી સતત વધી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમ સામે અખત્યાર કરેલા કડક વલણ પછી હવે ઇડીએ પેટીએમ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપો સબબ તપાસ શરૂ કરી છે. વિદેશી મુદ્રા નિયમોના કહેવાતા ભંગ બદલ કંપનીને ઇડી તપાસનો સામનો કરવો પડી શકે છે. પેટીએમે જોકે તે દાવાને નિરાધાર કહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ બેન્ક લિમિટેડ પર એક પ્રકારની મનાઇ ફરમાવી હતી. રિઝર્વ બેન્કે કોઇપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ પ્રોડક્ટ, વોલેટ અને ફાસ્ટટેગમાં 29 ફેબ્રુઆરી 2024 પછી જમા કે ટોપઅપનો સ્વીકાર ના કરવા ફરમાવ્યું છે.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિદાસે સોમવારે પેટીએમ પેમેન્ટ બેન્ક વિરુદ્ધ કરેલી કાર્યવાહીની કોઇપણ પ્રકારની સમીક્ષાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પીપીબીએલના કામકાજના વ્યાપક મૂલ્યાંકન અને ગ્રાહક હિતોને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. ગવર્નર શશીકાંત દાસે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક પેટીએમ બેન્ક લિમિટેડ અને ગ્રાહક સંબંધિત વિવિધ મુદ્દે પ્રવર્તી રહેલી સમસ્યાના સમાધાન માટે આ સપ્તાહે એફ.એ.ક્યૂ. (વારંવાર પુછાનાર પ્રશ્નોની યાદી) જારી કરશે. તેમાં પીપીબીએલના ગ્રાહકો સંબંધિત મુદ્દાનું સ્પષ્ટીકરણ હશે. ગ્રાહકોના હિત માટે બેન્ક આ પગલું લેવાનું છે.
પેટીએમના શેરોમાં 45 ટકાથી વધુનો ઘટાડો
31 જાન્યુઆરી પછી પેટીએમ શેરોમાં 45 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. તેને કારણે પેટીએમના રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 2.6 અબજ ડોલરનો ઘટાડો થયો છે. રોકાણકારોની સંપત્તિમાં મોટું ગાબડું પડયું છે.


