- દોઢ મહિનામાં 4 દર્દીઓ નોંધાયા
- એકનું મોત, બે સાજા થયા તો એક હજુ પણ સારવાર હેઠળ
- પોઝિટિવ દર્દીની જાણ ગેલેક્ષી હાર્ટ હોસ્પિ. દ્વારા આ.વિભાગને કરાઈ
મહેસાણા જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસોએ અચાનક ઉથલો માર્યો છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂના ચાર કેસ સામે આવ્યા છે. જિલ્લામાં નોંધાયેલ ચાર કેસ પૈકી મહેસાણાની ગેલેક્ષી હાર્ટ હોસ્પીટલમાં હૃદયને લગતી બિમારીની સારવાર મેળવી રહેલા વિસનગર પંથકના દર્દીનું મોત નીપજતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી વિભાગ દોડતો થયો હતો.તો ઘણા લાંબા સમયબાદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાતા જિલ્લાવાસીઓમાં પણ ચિંતા જોવા મળી હતી.તો આરોગ્ય વિભાગે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ઇન્ફ્લુએન્જાના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ સીઝનલ ફ્લૂ,સ્વાઇન ફ્લૂના વાયરસે દેખા દીધી છે. જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લામાં સ્વાઇન ફ્લૂના ચાર પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. આ ચાર દર્દી પૈકી વિસનગર પંથકનો એક દર્દી મોતને ભેટયો છે.તો બે દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.જયારે હજુ એક દર્દી સારવાર હેઠળ છે.મહેસાણા જિલ્લામાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાઇન ફ્લૂના કેસોએ ઉથલો મારતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે. તો મોતને ભેટનાર દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ સહીત સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ હતી.તો પોઝિટિવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં શરદી, ખાંસીની બિમારી વાળા દર્દીઓનુ સર્વેલન્સ સહિત લોકોની આરોગ્યની તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
સ્તર્લીંગ એક્યૂરસી ડાયગ્નોસીસ લેબોરેટરીને આરોગ્ય વિભાગે નોટિસ ફ્ટકારી
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્તર્લીંગ એક્યુરસી ડાયગ્નોસીસ લેબોરેટરીને કોરોના તેમજ સીઝનલ ફ્લૂ સ્વાઇન ફ્લૂના ટેસ્ટિંગની માન્યતા આપવામાં આવી છે.તો લેબોરેટરી દ્વારા લેવાતા સેમ્પલ અને પરિણામનુ રિપોર્ટિંગ રાજ્ય આરોગ્ય વિભાગતેમજ જિલ્લા આરોગ્ય વિભાગને કરવાનુ હોય છે.તેમ છતાં લેબોરેટરી દ્વારા વિસનગર પંથકના દર્દીના સેમ્પલની વિગતો તેમજ પરિણામની વિગતનુ રિપોર્ટીંગ જિલ્લા આરોગ્ય વિભાગને નહી કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયા દ્વારા મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ સ્તર્લીંગ એક્યુરસી ડાયગ્નોસીસ લેબોરેટરીને નોટીસ ફ્ટકારી હતી.તો ત્રણ દિવસમાં નોટીસનો ખુલાસો કરવા તાકીદ કરી છે.જો યોગ્ય ખુલાસો ન કરવામાં આવે તો આ લેબોરેટરીને મળેલ કોરોના અને ઇન્ફ્લ્યુએન્જાના ટેસ્ટિંગની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરાશે તેમ જણાવ્યું હતુ.
પોઝિટિવ દર્દીની જાણ ગેલેક્ષી હાર્ટ હોસ્પિ. દ્વારા આ.વિભાગને કરાઈ
મહેસાણા જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનુ મોત થયુ છે.વિસનગર પંથકના આ દર્દીને હૃદયને લગતી બિમારી હોય મહેસાણાની ગેલેક્ષી હાર્ટ ઈસ્ટિટયૂટ એન્ડ હોસ્પીટલમા 12 ફેબ્રુઆરીએ દાખલ થયો હતો.જોકે તેને વધારે તકલીફ્ હોય હોસ્પિટલ દ્વારા દર્દીનો સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ કરવાયો હતો.તે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.ટેસ્ટ પોઝિટિવ આવતા ગેલેક્ષી હાર્ટ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી.જોકે રિપોર્ટ પોઝિટિવ આવ્યાના બે દિવસ દરમિયાન દર્દી મોતને ભેટયો હતો.


