છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર અનેક સવાલો થઈ રહ્યા છે. ગત રાત્રીના તસ્કરો દ્વારા બેન્કને નિશાન બનાવતા પોલીસ દોડતી થઈ હતી. ઢુવા વિસ્તારમાં આવેલા એસ.બી.આઇ. બેંકની શાખામાં પાછળના ભાગે ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ગત મોડી રાત્રીના અજાણ્યા તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં બેંકના પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તોડી તસ્કરોએ બેંકમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરાયાંની જાણ થતાં જ શાખાના મેનેજર દ્વારા બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી મળી રહી છે.