- 60મી મ્યુનિક સુરક્ષા પરિષદમાં વૈશ્વિક નેતાઓની મુલાકાત
- સામાન્ય ચૂંટણીમાં જીત બદલ શેખ હસીનાને પાઠવી શુભેચ્છા
- WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસને કહ્યા ‘તુલસી ભાઈ’
વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે 60મી મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રી જયશંકરે ‘ભારત-બાંગ્લાદેશ મૈત્રી’ને આગળ વધારવામાં તેમના માર્ગદર્શનની પ્રશંસા કરી. આ વર્ષે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં જીત બાદ શેખ હસીના ફરી બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ જયશંકર સાથે આ તેમની પ્રથમ મુલાકાત છે. મ્યુનિક સુરક્ષા કોન્ફરન્સ એ આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા માટે વિશ્વનું એક મહત્વપૂર્ણ મંચ છે.
શેખ હસીનાને મળીને સન્માનિત અનુભવ્યું: જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એક ટ્વિટ કરતાં લખ્યું, ‘બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળીને હું સન્માનિત અનુભવ કરી રહ્યો છું. નવો જનાદેશ મળવા બદલ તેમને અભિનંદન. ભારત-બાંગ્લાદેશ મિત્રતાને આગળ વધારવા માટે તેમના માર્ગદર્શનની પ્રશંસા કરી.
WHO ડાયરેક્ટરને કહ્યું:… આભાર ‘તુલસી ભાઈ’
વિદેશ મંત્રી એસ. જયશંકરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસ સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશ મંત્રીએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘WHO ના મહાનિર્દેશકને મળીને આનંદ થયો. અમે પરંપરાગત દવા અને રોગચાળાની તૈયારી વિશે ચર્ચા કરી. આભાર તુલસી ભાઈ.
વૈશ્વિક નેતાઓ સાથે પણ કરી મુલાકાત
જર્મની પહોંચ્યા બાદ જયશંકરે અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમરન, જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેયરબોક, ગ્રીસના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી નિકોસ ડેંડિયાસ, આર્જેન્ટિનાના વિદેશ મંત્રી ડાયના મોન્ડિનો અને કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે પણ મુલાકાત કરી છે. એક દિવસ અગાઉ તેઓ યુરોપિયન યુનિયન કમિશનના ઉપાધ્યક્ષ જોસેપ ફોન્ટેલેસ સાથે પણ મુલાકાત કરી હતી. જયશંકરે બેયરબોક સાથે લાંબી ચર્ચા કરી હતી. ડેંડિયાસ સાથે મુખ્ય સુરક્ષા પડકારો પર તેમનો દ્રષ્ટિકોણ શેર કર્યો. આ ઉપરાંત મોન્ડિનો સાથે તેમણે ભારત અને આર્જેન્ટિના વચ્ચે આર્થિક અને રાજકીય સહયોગ અંગે ચર્ચા કરી હતી.


