- ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે મોડી રાત્રે ચિચિયારીથી ગુંજી ઊઠયો
- ચાલકને ઝોકુ આવી જતા કાર પલટી ખાધાની આશંકા
- કાર પલટતા બે મહિલા સહિતના ચાર વ્યક્તિના મોત
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે ઉપર હરિપર ગામના રેલવે બ્રિજ નજીકથી ધ્રાંગધ્રાની કાર પસાર થતા સમયે મોડી રાત્રે કાર પલટી ખાતા કારમાં સવાર પાંચમાંથી બે મહિલા સહિત ચારના મોત થયા હતા અને એકને ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયો હતો.આમ કાર પલ્ટી ખાતા હાઇવે ચીચીયારીથી ગુંજી ઉઠયો હતો.આજુબાજુનાં લોકોએ 108 અને પોલીસને જાણ કરતા હોસ્પીટલ લઇ જઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાના એક જ પરિવારના ચાર સહિત પાંચ લોકો અમદાવાદ ઇકો કાર લઇને લગ્ન પ્રસંગમાં ગયા હતા. અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગ પતાવીને શનિવારે મોડી રાત્રે ધ્રાંગધ્રા પરત આવતા સમયે ધ્રાંગધ્રાના હરિપર ગામ નજીક આવેલા રેલ્વે ઓવર બ્રિજ પાસેના પેટ્રોલપંપ સામે કાર ડીવાઇડર કૂદીને પલટી ખાધી હતી. કાર પલટી ખાતાની સાથે જ હાઇવે પાસેના લોકોએ તાત્કાલિક 108 અને ધ્રાંગધ્રા પોલીસને અકસ્માતની જાણ કરી હતી. ત્યારબાદ આ પાંચેયને તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ડોકટરે પાંચમાંથી બે મહિલા સહિત ચાર લોકોને મૃત જાહેર કર્યા હતા અને એક યુવકને સારવાર બાદ રજા આપી દેવાઇ હતી. આ અકસ્માતની પરીવારજનો અને સમાજના લોકોને જાણ થતા એક જ પરિવારના ત્રણ સહિત ચારના મોત થતા માતમ છવાઇ ગયો હતો. આમ ઉત્સાહભેર લગ્ન પ્રસંગ માણીને ઘેર પરત આવતા સમયે ડીવાઈડર ઉપર કાર ચડીને સામેની સાઇડ પલટી ખાતા ડ્રાઇવરને મોડી રાતે ઉંઘનું ઝોકુ આવી ગયાની આશંકા સેવાઇ રહી છે. આ અકસ્માતની આગળની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.


