- મબાપેએ પેરિસ સેન્ટ જર્મેન સાથેનો કરાર પૂર્ણ કર્યો, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે
- સ્ટાર ફૂટબોલર કિલિયન મબાપેનું ટ્રાન્સફર લગભગ નિશ્ચિત થઇ ચૂક્યું છે
- તેણે ગયા મહિને જ પેરિસ સેન્ટ જર્મેનને પોતાની ટ્રાન્સફર માટેની બાબતને સમર્થન આપી દીધું હતું
સ્ટાર ફૂટબોલર કિલિયન મબાપેનું ટ્રાન્સફર લગભગ નિશ્ચિત થઇ ચૂક્યું છે અને તેણે ગયા મહિને જ પેરિસ સેન્ટ જર્મેનને પોતાની ટ્રાન્સફર માટેની બાબતને સમર્થન આપી દીધું હતું. મબાપેને કરારબદ્ધ કરવા માટે વિશ્વભરની ટોચની ટીમો આતુર હતી પરંતુ તેણે રિયલ મેડ્રિડ સાથે કરાર કર્યો છે. 25 વર્ષીય ફૂટબોલર પેરિસ સેન્ટ જર્મેનને છોડી રહ્યો છે અને તેણે રિયલ મેડ્રિડ સાથે આગામી પાંચ વર્ષ એટલે કે 2029 સુધી લગભગ એક હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ પેપર ઉપર હસ્તાક્ષર કર્યા છે. રિયલ મેડ્રિડના પ્રમુખ ફ્લોરેન્ટિનો પેરેઝે કથિત રીતે પોતાના ખેલાડીઓને મબાપે 2025ની સિઝનથી ક્લબ સાથે જોડાશે તેવી માહિતી આપી છે એવી અફવાઓએ પણ જોર પકડયું છે. મબાપેને 10 નંબરની જર્સી આપવામાં આવી શકે તેવી સંભાવના છે.
ફૂટબોલમાં ટ્રાન્સફર વિન્ડો હાલમાં ખુલ્લી થઇ નથી અને આગામી બે સપ્તાહમાં ખેલાડીઓની લેવડદેવડ શરૂ થઇ શકે છે. મબાપે 2025માં લા લીગા લિડર્સમાં સામેલ થવા તૈયાર છે અને તેણે ક્લબ સાથે પાંચ વર્ષનો કરાર પણ કર્યો છે. રિયલ મેડ્રિડના મેનેજમેન્ટ ડાયરેક્ટર જોસ એન્જલ સાંચેઝ અને મપાપેની માતા તથા તેના એજન્ટ ફૈઝા લામારી વચ્ચે શરતો અંગે વાટાઘાટ શરૂ થઇ છે. રિયલ મેડ્રિડે ઇમેજ અધિકાર માટે કરોડો રૂપિયાની અલગ રકમ પણ ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે તેનું આ પેમેન્ટ પીએસજીએ છેલ્લા બે વર્ષમાં આપેલા નાણાંની સામે ઓછું રહેશે પરંતુ મબાપે રિયલ મેડ્રિડનો સૌથી મોંઘો ખેલાડી બની જશે તેમાં કોઇ શંકા નથી. તેને પ્રતિ વર્ષ સંભવિત 200 કરોડ રૂપિયા પ્લસ ક્લબ બોનસ મળશે. રિયલ મેડ્રિડ જુલાઇ મહિનામાં પોતાના સમર્થકોની સામે મબાપેને રજૂ કરે તેવી સંભાવના છે.


