- શહેરમાં ઠેર ઠેર ગંદકીની રાવ અને ડોર-ટુ-ડોરની સેવા સામે લોક ફરિયાદ
- ગંદકીથી ત્રાહિમામ્ પોકારી ઊઠેલા વિદ્યાર્થીઓએ પાલિકા વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા
- શાળાઓ આગળ ગંદકીના ઢગ ખડકાઇ છે
પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં વેરાની ઉઘરાણી માટે કડકાઈ દાખવનારા ચીફ ઓફિસર સેનીટેશન વિભાગના કોન્ટ્રાકટરની નબળી કામગીરી સામે કોઈ પગલાં ન લેતા શહેરમા ગંદકીના ઢગ જાહેર રસ્તા પર જોવા મળી રહ્યા છે. તેનાથી વિશેષ ખરાબ સ્થિતિ તો શહેરમાં કોટ વિસ્તારમાં આવેલી શાળાઓ આગળ ગંદકીના ઢગ ખડકાઇ છે.શાળા જતા બાળકો રસ્તો પસાર કરવામાં ડરી રહ્યા છે.તીવ્ર ગંદકીના કારણે ઉલટી અને ઉબકા આવે તેવી સ્થિતિ હોવા છતાં સફાઈ અંગે પગલાં ન લેતા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તે અંગે પણ કોઈ દરકાર ન લેવાતા આખરે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી સુત્રોચ્ચાર કર્યા હતા.
પાલનપુરમાં રાજગઢ વિસ્તારમાં આવેલી સીટી હાય સેકન્ડરી સ્કૂલ આગળ નગરપાલિકા સફાઈ કર્મીઓ દ્વારા આ વિસ્તારનો કચરો ઠાલવતા હોવાની વાંરવાર રજૂઆત નગરસેવકો, નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને કરવા છતાં પણ પરિણામ ના મળ્યું હતું.ત્યારે શાળા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી એ વાતને પણ 13 દિવસનો સમય વિત્યો હોવા છતાં પણ કચરાના ઢગલાનું કોઈ પણ નિરાકરણ પાલિકા દ્વારા ન લાવતા અંતે શાળાના બાળકો દ્વારા શૈક્ષણિક કાર્ય બંદ રાખી રસ્તા પર ચક્કા જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.શાળામાં ભણતા 1300 જેટલા વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે.કચરાના ઢગના લીધે ત્યાં ઢોરોનું અંડિગો બની ગયો છે.આ સ્કૂલોમાં ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડનું સેન્ટર પણ છે ત્યારે આવી રહેલ બોર્ડની પરીક્ષા માટે આવતા વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય તેમ છે.જેના પગલે બાળકોએ હાથમાં વિવિધ બેનર લઈ રસ્તા ઉપર ચક્કાજામ કરીને ઉગ્રહ વિરોધ નોંધાવીને આ કચરાના ખડકતા ઢગલાના સમસ્યામાંથી કાયમી નિરાકરણની માંગ કરવામાં આવી છે.


