- આંખ અને શરીરમાં બળતરા થતી હોવાની ફરિયાદો વધી
- યોગ્ય મરામત કરી સફાઈ કામ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે
- રજકણો સતત હવામાં ઉડવાથી નાગરિકોની આંખ અને શરીરમાં બળતરા
આણંદ શહેરમાં માથાના દુઃખાવારૂપે બનેલા ભાલેજવાળા ઓવરબ્રિજનો રસ્તો હવે ધૂળિયો બનતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. સાંકડા એવા આ બ્રિજ પર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યાનો તો કોઈ નિવેડો આવતો નથી, ત્યાં હવે આ બ્રિજની બંન્ને બાજુએ ધૂળના ઢગલા જામ્યા છે. જેની રજકણો સતત હવામાં ઉડવાથી નાગરિકોની આંખ અને શરીરમાં બળતરા થતી હોવાની ફરિયાદો વધી છે.
આ બ્રિજ પર ટ્રાફિકથી સતત ધમધમે છે. આમ છતાં તેની માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્ધારા નિષ્કાળજી દાખવવામાં આવી રહી હોવાનું સ્થાનિકો અને વાહનચાલકો જણાવી રહ્યા છે. હાલમાં આ બ્રિજની મરામતની કેટલીક કામગીરી ચાલી રહી છે. પરંતુ બ્રિજની બંને બાજુ તથા ઉપરનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે. ઠેરઠેર ખાડા પડયા છે. એટલું જ નહીં પણ બ્રિજ પર સફાઈકામમાં પણ તંત્ર દ્ધારા ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે ધૂળ એકત્રિત થવા પામી છે. અહીંથી પસાર થતા વાહનોના કારણે તેમજ પવનના કારણે ધૂળની રજકણો સતત ઉડતી હોવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓને શ્વાસ વાટે નાકમાં જતા બળતરા થતી હોવાની ફરિયાદ વધી છે. પુલનું યોગ્ય સફાઈકામ ન થતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તેથી ભાલેજવાળા બ્રિજના રસ્તાની યોગ્ય મરામત કરી સફાઈ કામ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.


