- લોકોએ પ્લાસ્ટિક તથા પૂજાપાની સામગ્રી જ્યાં ત્યાં નાંખી ગંદકી સર્જી
- પ્રા. શાળાના બાળકોની સાથે કમિશનર, ડે. કમિશનર તથા ચેરમેનનો શ્રામદાન
- પૂજાપાની સામગ્રી સહિતના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો
ગાંધીનગર કોર્પોેરેશન દ્વારા સુઘડ નર્મદા કેનાલ આસપાસના વિસ્તારની સાફસફાઈ કરવામાં આવી હતી. અંદાજે બે ટ્રેક્ટર ભરી પ્લાસ્ટિક તથા પૂજાપાની સામગ્રી સહિતના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
નર્મદા કેનાલમાં પુજાપો નહિ નાંખવા અનેકવાર સલાહ આપવામાં આવતી હોવાછતાં લોકો પોતાની આદતને છોડવા તૈયાર નથી. જેના કારણે કેનાલના પાણીમાં પ્રદુષણ ફેલાય રહ્યું છે. કેનાલના પાણીને ગંદુ થતું બચાવવા માટે કોર્પોરેશન દ્વારા હવે કળશ મૂકવામાં આવી રહ્યા છે. આ કળશમાં પુજાપા સહિતની સામગ્રી નાંખવા માટે કહેવામાં આવી રહ્યું છે. જેથી લોકોની શ્રાધ્ધા પણ જળવાય અને પાણીમાં પ્રદુષણ પણ થતું અટકાવી શકાય તેવો મ્યુનિ તંત્રનો ઉદ્દેશ છે.
આજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ અને નિર્મળ ગાંધીનગર અભિયાન અંતર્ગત સેનિટેશન ટીમ દ્વારા આજરોજ સુઘડ નર્મદા કેનાલના આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સુઘડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી આ વિસ્તારને સાફ કરવામાં આવ્યો હતો. બે ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિક તથા પુજાપાની સામગ્રી સહિતનો કચરો એકઠો કરી નિકાલ કરવામાં આવ્યો
હતો. આ ઝુંબેશમાં ખૂદ મ્યુનિ કમિશનર જે.એન.વાઘેલા, ડે. મ્યુનિ કમિશનર જે.એમ.ભોરણીયા, સ્થાયી ચેરમેન જશવંત પટેલ પણ જોડાયા હતા અને બાળકોની સાથે તેઓએ પણ શ્રામદાન કર્યુ હતું. સુઘડ અને અડાલજ કેનાલ વિસ્તારમાં વારંવાર કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવી પડે છે. કારણ રસ્તેથી પસાર થતાં લોકો વાહનો રોકીને પુજાના ફુલ સહિતનો નિકાલ કેનાલના પાણીમાં વહાવે છે. અથવા તો આસપાસના વિસ્તારમાં ગમે ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી દેતા હોય છે. જેના કારણે કેનાલ નજીક જ ઉકરડાંનો ઢગલો ઉભો થવા લાગે છે. આજે બાળકોને પણ કેનાલ આસપાસ આ રીતે કચરો ના ફેંકવો જોઈએ તેની સમજ આપી હતી અને આ સમજ તેઓ પોતાના પરિવાર તથા આજુબાજુમાં રહીશોને પણ આપશે તો એ રીતે પણ કેનાલ ખાતે થતી ગંદકીને અટકાવી શકાશે તેવું કોર્પોરેશનનું માનવું છે.


