- 22 ફેબ્રુઆરીના સાંજે ચાર વાગ્યે પહોંચશે નવસારી
- ટેક્સટાઈલ પાર્કથી ત્રણ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે
- દસ હજાર કરોડ જેટલું જંગી રોકાણ થવાના અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22મી ફેબ્રઆરી ના રોજ નવસારી આવી રહ્યા છે. નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ પાસે આવેલા ટેક્સટાઇલ પીએમ મિત્રા પાર્કના ખાતમૂર્ત પ્રસંગે હાજરી આપનાર છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ અડચણ ઊભી ન થાય તે હેતુથી નવસારી જિલ્લાના અધિક કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પહેલાં સુરક્ષાની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પધારી રહ્યા છે. તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 22 ફેબ્રુઆરીના સાંજે ચાર વાગ્યે તેઓ જલાલપોર તાલુકાના વાસી બોરાસી નજીક પહોંચશે. જ્યાં સૌપ્રથમ તેઓ પી.એમ મિત્રા ટેકસટાઇલ પાર્કના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરશે.
નોંધનીય છેકે, જેમાં 1141 એકર વિસ્તારમાં સાકાર થનાર મેગા પ્રોજેક્ટના કારણે ત્રણ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થશે. સાથે જ અહીં દસ હજાર કરોડ જેટલું જંગી રોકાણ થવાના અંદાજ સાથે ટેકસટાઇલ ઉદ્યોગને એક નવી જ દિશા મળવા જઈ રહી છે. ટેકસટાઇલ પાર્કને લઈ રાજ્ય સહિત દેશભરમાં ફેલાયેલા આ ઉદ્યોગને વૈશ્વિક વેગ મળશે.
નવસારી જિલ્લા સહિત રાજ્યના ટેકસટાઇલ ઉદ્યોગ માટે અતિ મહત્વની કડી સાબિત થનાર પી.એમ મોદી ના આ કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન. પી.જોષીએ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જલાલપુર તાલુકાના વાસી બોરસી ખાતે તારીખ 20 થી 22 ફેબ્રુઆરી સુધી નવસારી જિલ્લામાં જમીનથી આકાશ તરફ ટુંકલ ફુગ્ગા, પતંગ, વાવટા ,ડ્રોન, સિન્થેટિક પ્લાસ્ટિક તેમજ અમુક કલરના કપડા લઈ ફરકાવવા તથા ઉડાવવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

લોકસભા ચૂંટણી પહેલાં 22 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે અમૂલ ફેડરેશનનાં સહકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે. તેમજ તરભ ખાતે વિકાસનાં કાર્યોનું ભૂમિ પૂજન તેમજ લોકાર્પણ કરશે. તેમજ કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નીરીક્ષણ. નવસારીમા પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ. તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા આવશે. ત્યારે બાદ તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ તેઓ વારાસણી જશે. અને તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ફરી ગુજરાત આવશે.


