- ભરૂચ પાલિકાને નવા કામ કરવાનો ઉમળકો જાગ્યો
- શહેરના અન્ય રસ્તાઓનું સમારકામ કરતુ ન હોવાની ફરિયાદ
- ભરૂચ નગરમા માર્ગો પર ફૂટપાથના અભાવે રાહદારીઓનો ભારે હાલાકી વેઠવી
ભરૂચ નગરપાલિકાને હાલ કામનો કરવાનો ઉમળકો આવ્યો છે. માર્ચ એન્ડીંગ નજીક હોવાના પગલે બની શકે છે કે, કોઈ ગ્રાન્ટ લેપ્સ થઈ જતી હોય તેના કારણે ગ્રાન્ટ જતી ન રહે તે માટે નગરપાલિકા દ્વારા ખર્ચ કરી કામનો દેખાડો કરવામાં આવતો હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે. આ લોકચર્ચા સાચી હોય તેમ જણાય રહ્યુ છે, કારણ કે સ્ટેશન રોડ જેવા રસ્તા પર જયાં ખાડો નથી ત્યાં ફરીથી કારપેટીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ભરૂચ નગર પાલિકાના ઈતિહાસમાં છેલ્લા બે વર્ષમાં પાંચબત્તીથી સ્ટેશન રોડ પર 6 થી 7 વાર નાના મોટા સમારકામના અથવા તો કારપેટીંગના કામ કરવામાં આવ્યા છે.
આવી પરિસ્થિતિમાં લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, શું ભરૂચ જિલ્લામાં માત્ર પાંચબત્તીથી સ્ટેશન સુધીનો એક જ રસ્તો છે ? વાસ્તવમાં આવુ નથી. ભરૂચ નગરના ઘણા વિસ્તારોમાં ઉંડા ખાડા ધરાવતા રસ્તાઓ જણાય રહ્યા છે તેમ છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા આવા રસ્તાઓ પર કોઈ કામ કરવામાં આવતુ નથી અને હંમેશા જયારે રસ્તાની કામની શરૂઆત કરવામાં આવે છે ત્યારે પાંચબત્તીથી સ્ટેશનનો રોડ અથવા તો પાંચબત્તીથી મહંમદપુરા રોડના કામની શરૂઆત કરવામાં આવે છે જયારે અન્ય રસ્તાઓ તેમના તેમ પડી રહે છે. આ અંગે વધુ વિગતે જોતા ભરૂચ નગરના તમામ વોર્ડના રહીશોએ બિસ્માર રસ્તા અંગે વખતોવખત આવેદનપત્રો આપ્યા છે. એટલુ જ નહી પરંતુ લેખિત અને મૌખિક રજુઆતો પણ કરી છે. તેમ છતાં વિવિધ વોર્ડના રસ્તા હજી પણ બિસ્માર હાલતમાં છે તેમાં પણ જુના ભરૂચના રસ્તાઓના સમારકામ ન કરવા અંગેની જાણે કે ભરૂચ નગરપાલિકાએ કેટલાક કામોને બાદ કરતા ઘણા લાંબા સમયથી જુના ભરૂચના રસ્તાના કોઈ કામ કરવામાં આવ્યા નથી.
આવી પરિસ્થિતિમાં હાલ જયારે પાંચબત્તીથી સ્ટેશન રોડનું કામ ચાલી રહ્યુ છે ત્યારે જો ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તાના સમારકામ અંગે આયોજનબદ્ધ કામગીરી કરવાની હોય તો નગરપાલિકા દ્વારા લોકહીત માટે કયા રસ્તાનું કયારે થશે તેની જાહેરાત કરવા અંગેની લોકમાંગ ઉભી થઈ છે. પરંતુ વાસ્તવમાં એવુ થાય છે કે, પાંચબત્તીથી સ્ટેશન અથવા તો પાંચબત્તીથી મહંમદપુરા જેવા રસ્તાનું કામ શરૂ કરવામાં આવે, કોન્ટ્રાકટરને કામ સોંપી દેવામાં આવે અને તેથી ગ્રાન્ટ પુર્ણ કરવામાં આવે, આવા કારસા દર વર્ષે માર્ચ એન્ડીંગમાં જ ચાલતા હોય છે. પરંતુ આવા કારસાઓનો હવે અંત આવવો જોઈએ. લોકોના કરના નાણાંનો ઉપયોગ વ્યવસ્થિત થવો જોઈએ.
એકના એક રસ્તાનું થતું સમારકામ
ભરૂચ પાલિકા દ્વારા વારંવાર એકના એક રસ્તાનું સમારકામ કરવામાં આવે છે. બિસ્માર રસ્તો ન હોય તો પણ કાગળ પર બિસ્માર રસ્તો બતાવી તેનું સમારકામ કરવામાં આવે છે જેમ કે પાંચબત્તીથી સ્ટેશન, પાંચબત્તીથી મહંમદપુરા, પાંચબત્તીથી શકિતનાથ, લીંકરોડ, જે.બી.મોદી ગાર્ડન રોડ આ બધા રસ્તા પર વારંવાર સમારકામ કરવામાં આવે છે. ત્યારે બીજીબાજુ ભરૂચ નગરના ધોળીકુઈ, ફાટાતળાવ, ચારરસ્તા, ફુરજા તેમજ અન્ય વિસ્તારોના અતિબિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવતુ નથી તેવી ફરીયાદ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કરવામાં આવે છે. આવુ કેમ બને છે તેના કારણો લોકોને સમજાતા નથી પરંતુ કેટલાક લોકો એવી ચર્ચા કરે છે કે, મોટી સંખ્યામાં લોકો નોંધ લે કે નગરપાલિકા દ્વારા કામ થઈ રહ્યુ છે તેથી જ બિસ્માર રસ્તા ન હોય તેમ છતાં સમારકામના કામ કરી કોન્ટ્રાકટરો સાથે જે તે પટાવત કરવાની હોય તે કરી ગ્રાન્ટ લેપ્સ ન કરવાની તજવીજ કરવામાં આવે છે.
નગરના રસ્તા ફૂટપાથ વિહોણા
ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય અદાલતો દ્વારા વારંવાર સિનિયર સીટીઝનો માટે મુખ્ય માર્ગો સાથે ફુટપાથના નિર્માણ કરવા અંગે સુચન કરવામાં આવેલ છે તેમ છતાં ભરૂચ નગરપાલિકાએ એક પણ રસ્તો એવો બનાવ્યો નથી કે જેની સાથે ફુટપાથ સંકળાયેલ હોય. મળતી માહિતી મુજબ જયારે પણ ટેન્ડરીંગ કામ થાય છે ત્યારે ટેન્ડર ફુટપાથ સહિત આપવામાં આવે છે ત્યારે ભરૂચ નગરમાં સડક સાથે ફુટપાથ કેમ જણાતી નથી. વાસ્તવમાં ફુટપાથ નામે કાગળ પર બતાવેલી જગ્યા પર દબાણ થતુ હોવાની બાબતો સામે આવી રહી છે જયાં સુધી ભરૂચ નગરમાં રસ્તા પરનું દબાણ દુર કરવામાં નહી આવે, ભરૂચ નગરના રસ્તા ફુટપાથ સાથેના રસ્તા હશે જેની પર બાળકો અને મહિલાઓ તેમજ સિનિયર સીટીઝનો નિશ્ચિત બની ચાલતા જણાશે.


