ભૂજમાં ઝડપાયેલ 575 કરોડના ડ્રગ્સ કેસમાં ૧૯ વિદેશી નાગરિકોને ૨૦ વર્ષની સજા
દરિયાઇ માર્ગે ભારતમાં હેરોઇન ઘૂસાડવાનો કારસો રચ્યો હતો : કોર્ટનો ચૂકાદો
અગ્ર ગુજરાત, ભૂજ
ગુજરાતની દરિયાઈ સીમાઓને સુરક્ષિત રાખવા અને ડ્રગ્સ માફિયાઓ પર લગામ લગાવવા માટે ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવેલું આ એક અત્યંત મહત્વનું પગલું છે. કચ્છના ભુજમાં આવેલી વિશેષ NDPS કોર્ટે રૂપિયા 575 કરોડના હેરોઈન જપ્તી કેસમાં પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવતા સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. આ મામલો લાંબા સમયથી તપાસ હેઠળ હતો અને હવે કોર્ટે કડક વલણ અપનાવતા તમામ આરોપીઓને આકરી સજા ફટકારી છે.
ભુજની વિશેષ NDPS કોર્ટે 18 પાકિસ્તાની અને 1 અફઘાન નાગરિક સહિત કુલ 19 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ કેસ મૂળભૂત રીતે ડ્રગ્સના ત્રણ અલગ-અલગ મોટા ગુનાઓ સાથે જોડાયેલો હતો, જેમાં આરોપીઓએ દરિયાઈ માર્ગે ભારતની સરહદમાં આશરે 575 કરોડ રૂપિયાનું હેરોઈન ઘૂસાડવાનો કારસો રચ્યો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ અને કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલી આ સફળ કામગીરી બાદ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તપાસ એજન્સીઓએ મજબૂત દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના આધારે કેસ રજૂ કર્યો હતો. કોર્ટે NDPS અધિનિયમની વિવિધ કલમો હેઠળ આ તમામ વિદેશી નાગરિકોને દોષિત ઠેરવીને સજાનું એલાન કર્યું છે. આ ચુકાદો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના નેટવર્ક સામે એક મોટો લપડાક સમાન માનવામાં આવે છે. દેશની સુરક્ષા સાથે ચેડાં કરનારા અને ડ્રગ્સના રવાડે યુવાનોની પેઢીને બરબાદ કરવાના આ ષડયંત્રને તોડી પાડવામાં ન્યાયતંત્રની આ કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોને એકસાથે આટલી આકરી સજા થવી તે ડ્રગ્સ સ્મગલિંગ કરનારા તત્વો માટે એક મોટી ચેતવણી છે કે ભારતીય ધરતી પર ગુનાહિત પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં.


