- ધ્રુવ જુરેલનું સ્વપ્ન એમએસ ધોનીને મળવાનું હતું
- ધોનીને મળ્યા પછી જુરેલ કન્ફ્યુઝ થયો કે તેમને સર કહેવું કે ભૈયા
- ધ્રુવ જુરેલ એમએસ ધોનીના હોમટાઉન રાંચીમાં આગામી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છે
ભારતના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોનીને મળવું કે તેની સાથે રમવું એ કોઈપણ વિકેટકીપર બેટ્સમેનનું સપનું હોઈ શકે છે. એક સમયે ધ્રુવ જુરેલનું સ્વપ્ન એમએસ ધોનીને મળવાનું હતું. પરંતુ જ્યારે તેનું સપનું સાકાર થયું ત્યારે તે માની શક્યો નહીં. ધ્રુવ જુરેલ પોતાની જાતને પુછી રહ્યો હતો કે શું આ સાચું છે. ધ્રુવ લગભગ મૂંઝવણમાં હતો કે તેમને શું કહેવું. ખુદ ભારતીય વિકેટકીપર બેટરે આ વાત જણાવી હતી. ધ્રુવ જુરેલ એમએસ ધોનીના હોમટાઉન રાંચીમાં આગામી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રમાશે.
BCCIએ શેર કર્યો વીડિયો
ભારતીય ક્રિકેટ ટીમ રાંચી પહોંચ્યા બાદ BCCIએ ધ્રુવ જુરેલનો એક વીડિયો શેર કર્યો છે. 23 વર્ષનો ધ્રુવ જુરેલ આ વીડિયોમાં પોતાના સપના વિશે જણાવી રહ્યો છે. તે કહે છે કે એમએસ ધોનીને મળવાનું તેનું સપનું હતું. પરંતુ જ્યારે તે 2021માં ધોનીને મળ્યો ત્યારે તે અવાચક રહી ગયો હતો.
ધ્રુવ જુરેલે ધોની વિશે કહી આ વાત
ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ તરફથી રમતા ધ્રુવ જુરેલે કહ્યું, ‘ધોનીને જોતાં જ હું ચૂપચાપ ઊભો રહી ગયો. હું વિચારી રહ્યો હતો કે શું ખરેખર ધોની મારી સામે ઊભો હતો. આ 2021ની વાત છે, જે આઈપીએલમાં મારું પ્રથમ વર્ષ હતું. પછી હું તેની પાસે ગયો. ક્યારેક હું તેને ભાઈ કહીને બોલાવતો હતો તો ક્યારેક સર. મને ખબર ન હતી કે તેને શું કહેવું. પછી મેં તેને પૂછ્યું કે શું હું ફોટો લઈ શકું? પછી અમે ફોટો લીધો.
ધોનીએ આપી મેજીક ટિપ્સ
IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો સભ્ય રહી ચૂકેલા ધ્રુવ જુરેલનું કહેવું છે કે તે મીટિંગમાં ધોનીએ તેને એક જ સલાહ આપી હતી – સેટલ થઈ જાઓ, બોલ જુઓ અને રમો. તમને જણાવી દઈએ કે ધ્રુવ જુરેલે રાજકોટમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. તેને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ડિયા કેપ આપી હતી.


