- મેન્સ ડબલ્સમાં રોહન બોપન્ના પ્રથમ સ્થાને જળવાઈ રહ્યો
- સુમિત નાગલ 16 પોઇન્ટ ગુમાવવાના કારણે રેન્કિંગના ટોપ-100માંથી બહાર થઈ ગયો છે
- તે ગયા સપ્તાહે બેંગ્લોર ઓપનમાં માત્ર 25 પોઇન્ટ જ મેળવી શક્યો હતો
ભારતનો અનુભવી સિંગલ્સનો ખેલાડી સુમિત નાગલ 16 પોઇન્ટ ગુમાવવાના કારણે વર્લ્ડ મેન્સ સિંગલ્સ રેન્કિંગના ટોપ-100માંથી બહાર થઈ ગયો છે અને તે નવી રેન્કિંગમાં ત્રણ ક્રમાંકની પીછેહઠ સાથે 101મા ક્રમાંકે પહોંચી ગયો છે. નાગલે એક ક્વોલિફાયર તરીકે ચેન્નાઈ ચેલેન્જર્સની સેમિફાઇનલમાં પહોંચીને 41 પોઇન્ટ હાંસલ કર્યા હતા અને તેણે આ અંક બચાવી રાખવાના હતા પરંતુ તે ગયા સપ્તાહે બેંગ્લોર ઓપનમાં માત્ર 25 પોઇન્ટ જ મેળવી શક્યો હતો. નાગલે ચાલુ વર્ષે ચેન્નાઈ ઓપનનું ટાઇટલ જાળવી રાખીને ટોપ-100માં સ્થાન મેળવનાર ભારતના કેટલાક ખેલાડીઓની ઇલિટ ક્લબમાં સ્થાન મેળવ્યું હતું.
નાગલ હાલમાં પૂણે ચેલેન્જર્સમાં રમી રહ્યો છે. સિંગલ્સમાં ભારતનો બીજો બેસ્ટ ખેલાડી રામકુમાર રામનાથન છે જે 42 ક્રમાંકની છલાંગ લગાવીને 420મા ક્રમે પહોંચ્યો છે. ત્યારબાદ શશિકુમાર મુકુન્દ (457), એસ.ડી. પ્રજ્જવલ દેવ (595) તથા દિગ્વિજય પ્રતાપસિંહ (623)નો યાદીમાં ક્રમાંક આવે છે. રોહન બોપન્ના મેન્સ ડબલ્સમાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે જળવાઈ રહ્યો છે. ડબલ્સમાં યુકી ભાંબરી 60મા, શ્રીરામ બાલાજી 80માં તથા સાકેત માયનેની 89મા ક્રમાંકે છે.


