- ઇલેક્શન પંચ કાગડોળે રાહ જુએ છે, ઉઘરાણી કરે છે
- સતત 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ તથા વતનમાં નોકરી કરી રહ્યા છે
- એકલા ગુજરાતમાં જ પોલીસતંત્રની બદલીઓ લટકી પડી છે એવું નથી
ઇલેક્શન કમિશને ગુજરાત સરકારને લોકસભાની ચૂંટણી સંદર્ભે 25 જેટલા આઈપીએસ તથા ડીવાયએસપી અન્ય જગ્યાએ ખસેડવા માટે 31મી જન્યુઆરી સુધી આપેલા અલ્ટિમેટમ ઉપર 21 દિવસ વીતી ગયાં છે, છતાં પોલીસ તંત્રના આ 25 અધિકારીઓ ટ્રાન્સફર કરવામાં રાજ્ય સરકાર અતિશય વિલંબ કરી રહી છે.
સતત ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી એક જ સ્થાન ઉપર ફરજ બજાવતાં હોય અને વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા પોલીસ અધિકારીઓને અન્યત્ર ખસેડવા માટે ઇલેક્શન કમિશને રાજ્ય સરકારને 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો, જેમાં આઈપીએસ અને ડીવાયએસપી મળીને 25 જેટલા પોલીસ અધિકારીઓ ખસેડવાના થતાં હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રો એવું કહે છે કે, ડેડલાઇન વીતી ગયા બાદ સપ્તાહનો સમય માગવામાં આવ્યો હતો, જે પછી સતત વધુ ને વધુ સમય માગવામાં આવી રહ્યો છે, બદલીઓનું મુહૂર્ત ક્યારે નીકળશે તે કોઈ જાણતું નથી. ઇલેક્શન કમિશનની દિલ્હી ઓફિસ આ બાબતે સતત પૃચ્છા કરી રહી છે કેમકે નવા મુકાનારા પોલીસ અધિકારીઓ પાસે ચૂંટણીવિષયક કામગીરી કરાવવાની થાય છે. જે આઈપીએસ અન્યત્ર ટ્રાન્સફર કરવાના થાય છે તેમાં કેટલાક ડીએસપી પણ સમાવિષ્ટ છે, જેઓ લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા સાથે સીધા સંકળાયેલા છે. સૂત્રો એવું પણ કહે છે કે, રાજ્યમાં આઈપીએસ દરજ્જાના પોલીસ અધિકારીઓની બદલી લોકસભાની ચૂંટણી પહેલાં કરવી કે નહીં તે રાજ્ય સરકારનો વિષય છે, પરંતુ 25 જેટલા આઈપીએસ તથા ડીવાયએસપી જેઓની બદલી વતન અને ત્રણ વર્ષથી એક જ સ્થાને સર્વિસના માપદંડને કારણે કરવાની થાય છે તે ટાળી શકાય તેમ નથી, વહેલા મોડાં આ બદલીઓ કર્યા વિના છૂટકો નથી. એવી દલીલ પણ થઈ રહી છે કે થોડા ઘણાં રાજ્યોમાં હજી આવા પોલીસ અધિકારીઓ ખસેડવાના બાકી છે, એટલે એકલા ગુજરાતમાં જ પોલીસતંત્રની બદલીઓ લટકી પડી છે એવું નથી.


