- મનોહર જોશીનું હૃદયરોગના હુમલાના બે દિવસ બાદ થયુ નિધન
- મનોહર જોશી શિવસેનાના પહેલા CM હતા
- મનોહર જોશી RSSમાં જોડાયા અને પછી શિવસેનામાં જોડાયા હતા
મહારાષ્ટ્રના પૂર્વ CM મનોહર જોશીનું હૃદયરોગના હુમલાના બે દિવસ બાદ આજે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. જોશીના અંતિમ સંસ્કાર આજે મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. જોશીને બુધવારે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ જ્યારે 86 વર્ષીય મનોહર જોશીની તબિયત બગડવા લાગી ત્યારે તેમના પરિવારજનો તેમને તરત જ હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. આઈસીયુમાં ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. શુક્રવારે સવારે 3.02 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
5 દાયકાની રાજકીય સફરનો અંત આવ્યો
લગભગ 5 દાયકાથી રાજકારણમાં સક્રિય રહેલા મનોહર જોશી રાજ્યના મુખ્યમંત્રી પણ હતા. તેમની રાજકીય કારકિર્દી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે શરૂ થઈ, ત્યારબાદ તેઓ મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બન્યા અને પછી એનડીએ સરકાર દરમિયાન લોકસભાના સ્પીકર બન્યા.મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના નાંદવીમાં 2 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલા જોશીનું શિક્ષણ મુંબઈમાં થયું હતું. તેમના લગ્ન અનગા મનોહર જોશી સાથે થયા હતા, જેનું 75 વર્ષની વયે 2020માં અવસાન થયું હતું. તેમના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે.
મનોહર જોશી શિવસેનાના પહેલા CM હતા
મૂળ મહારાષ્ટ્રના બીડના રહેવાસી મનોહર જોશીનો જન્મ 2 ડિસેમ્બર 1937ના રોજ રાયગઢ જિલ્લાના નાંદવી ગામમાં થયો હતો. મુંબઈની પ્રસિદ્ધ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (VJTI)માંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યા બાદ તેઓ RSSમાં જોડાયા અને પછી શિવસેનામાં જોડાયા. 70ના દાયકામાં પ્રથમ વખત કાઉન્સિલર તરીકે અને પછી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા.
1995માં શિવસેના પહેલીવાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવી
1995માં જ્યારે શિવસેના પહેલીવાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવી ત્યારે તેણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાને સત્તાની કમાન મળી ગઈ હતી અને બાળ ઠાકરેએ તેમના સૌથી વિશ્વાસુ મનોહર જોશીને મુખ્ય પ્રધાન તરીકેનો તાજ પહેરાવ્યો હતો, આ રીતે જોશીએ શિવસેનાના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું બિરુદ મેળવ્યું હતું. મનોહર જોશી 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 31 જાન્યુઆરી, 1999 સુધી આ પદ પર રહ્યા. આ રીતે મનોહર જોશીએ 3 વર્ષ અને 323 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.


