- વિદ્યાર્થીઓ માટે વિવિધ 22 ટ્રેડ શરૂ કરાયા
- વિદ્યાર્થીઓ યોગ્ય અભ્યાસ મેળવી રોજગારી પ્રાપ્ત કરશે
- જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ગોધરામાં નવનિર્મિત ઔધોગિક તાલીમ સંસ્થાના બહુમાળી ભવનનો વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રીબીન કાપીને નવીન ભવન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ, લોકસભા સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અંદાજીત 40 કરોડના ખર્ચે તૈયાર થયેલું આઈટીઆઈ ભવન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્યનું માધ્યમ બની રહેશે એમ મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન ગુરૂવારે નવસારી ખાતેથી રાજ્યના 41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું.આ તમામ પ્રકલ્પોમાં પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા સ્થિત નિર્માણ કરાયેલી નવીન ઔધોગિક તાલીમ સંસ્થાના ભવનનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇ-લોકાર્પણ કરાયા બાદ રીબીન કાપીને ગોધરાની મલ્ટી સ્ટોરી આઇટીઆઇ બિલ્ડિંગને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. 40 કરોડ ઉપરાંત ખર્ચે તૈયાર થયેલી આ મલ્ટીસ્ટોરી આઇટીઆઇ બિલ્ડિંગ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. જેમાં જીમનેશિયમ, કોન્ફ્રન્સ રૂમ સહિત સેન્ટ્રલ એસી સાથે સમગ્ર બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. મહીસાગર,અને દાહોદ જેવા જિલ્લાઓમાંથી ગોધરા ખાતે અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓને નવીન આઇટીઆઇનો લાભ મળી રહેશે. રાજ્યસભાના જશવંતસિંહ પરમારે પોતાની નિયુક્તિ પછીનો આ પ્રથમ કાર્યક્રમ હોવાનું જણાવતાં વર્ષ 1959 ના સમયગાળામાં ગોધરા આઈટીઆઈ શરૂ કરવામાં આવી હતી. ત્યારે માંડ ત્રણ ટ્રેડ હતા જયારે આજે 22 ટ્રેડ સાથે આઇટીઆઈનું આધુનિક ભવન તૈયાર થયું છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી નોકરીની સારી તક પ્રાપ્ત કરશે એમ જણાવ્યું હતું. ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજીએ પોતાના વક્તવ્ય દરમિયાન આઈટીઆઈના સ્ટાફ્ અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં પોતાની આગવી અદામાં જણાવ્યું હતું કે મારે શું અને મારૂ શું જેની ચિંતા સૌએ કરવી જોઈએ તો જ તમામ સ્વપ્ન સાકાર કરી શકાય છે આધુનિક આઈટીઆઈમાં વિદ્યાર્થીઓ યોગ્ય અભ્યાસ મેળવી રોજગારી પ્રાપ્ત કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


