- વલસાડના યુવકની અટકાયત કરીને પોલીસે પરિવારને જાણ કરી
- ઝાડ પર ઓઢણી બાંધીને કોઈ પગલું ભરે તે પહેલાં યુવકને બચાવાયો
- ફાયર બ્રિગેડના જવાનોએ તેની પાસે પહોંચીને તેને બચાવી લીધો હતો
સચિવાલય ગેટ નંબર-1 પાસે યુવક આપઘાત માટે ઝાડ પર ચઢી ગયો હતો. વલસાડના યુવકે ઝાડ પર ચઢીને ઓઢણી વડે ગળાફાંસો ખાવાની તૈયારી કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ફાયર અને પોલીસ જવાનોએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે ન માનતા આખરે ફાયર બ્રિગેડના જવાનોએ તેની પાસે પહોંચીને તેને બચાવી લીધો હતો.
નવા સચિવાલયના ગેટ નંબર-1 પાસે ગુરુવારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. એક યુવક ગેટ પાસે આવેલા ઝાડ પર ચઢી ગયો હતો. ઝાડ પર ઓઢણી બાંધી ગળાફાંસો ખાવાની તૈયારી રહેલાં યુવક પર ધ્યાન જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બીજી તરફ કોલ કરાતા તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનો પણ પહોંચી ગયા હતા. સમજાવટ છતાં યુવક નીચે ન ઉતરતાં ફાયરના જવાનો તેની પાસે પહોંચી ગયા હતા અને તેને બચાવી લીધો હતો. પોલીસ યુવકને સાત્વના આપીને પૂછપરછ કરતાં તે વલસાડના ધરમપુર તાલુકાના ખારવેલ ગામનો નીતીન પટેલ હોવાનું સામે આવ્યું હતું. આપઘાતના પ્રયાસ અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ગામના ફળિયામાં રહેતા લોકો તેને પરેશાન કરે છે અને મગજમાં ચીપ ફીટ કરી દીધી છે. જેની મદદથી તે આખો દિવસ શું કરે છે અને શું વિચારે છે, વોટ્સએપ પર શું વાતો કરે છે એ પણ ફળિયાના લોકોને ખબર પડી જાય છે. યુવકની વાતો સાંભળીને થોડા સમય માટે તો પોલીસ પણ ચકરાવે ચઢી ગઈ હતી. જોકે મળેલી માહિતી મુજબ નીતિનને અગાઉ નડેલા અકસ્માતમાં હેમરેજ થયું હતું. જે પછીથી યુવક માનસિક અસ્થિર હોય તેવો વ્યવહાર કરે છે. જોકે ખરેખર તેને શું તકલીફ છે તે જણાવી શકતો નથી. સમગ્ર મુદ્દે પોલીસે યુવક સામે અટકાયતી પગલાં લઈને તેના પરિવારને જાણ કરી હતી.


