- રોહિત શર્માએ ટેસ્ટમાં 4000 રન પૂર્ણ કર્યા
- રોહિતે આ સિદ્ધિ 58 મેચમાં હાંસલ કરી હતી
- 4000 રન પૂર્ણ કરનાર 17મો ભારતીય બેટ્સમેન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માએ મેચના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી. તેના આવતાની સાથે જ રોહિતે બતાવ્યું કે તે પણ બેઝબોલ સ્ટાઈલમાં ઈંગ્લિશ બોલરોને હંફાવી શકે છે. મેચની પ્રથમ ઇનિંગમાં રોહિતનું બેટ શાંત હતું, પરંતુ બીજી ઇનિંગમાં રોહિત 24 રન બનાવ્યા બાદ અણનમ પરત ફર્યો છે. રોહિત શર્માએ આ દરમિયાન 4 ફોર પણ ફટકારી છે. રોહિતની આ ઈનિંગ ભલે ટૂંકી હોય, પરંતુ ખેલાડીએ આ ઈનિંગ સાથે એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
રોહિતે ખાસ સિદ્ધિ હાંસલ કરી
રોહિત શર્માએ રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 20 રન બનાવીને પોતાના 4000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા છે. રોહિતે પોતાની 100મી ટેસ્ટ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. તે પોતાની 58મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. કેપ્ટને આ જ મેચની બીજી ઈનિંગમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તે ભારત માટે 4000 ટેસ્ટ રન બનાવનાર 17મો બેટ્સમેન બન્યો છે. આ માઈલસ્ટોન હાંસલ કરવા સુધી, રોહિત શર્મા 438 ફોર અને 80 સિક્સર ફટકારી ચૂક્યો છે. આ ખેલાડીએ અત્યાર સુધીમાં 11 સદીની ઇનિંગ્સ રમી છે, જ્યારે તેણે 16 ફિફ્ટી પણ ફટકારી છે. આ સિવાય તે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 5 વખત ડકનો શિકાર બન્યો છે.
ભારત ટેસ્ટ સીરિઝ જીતવાની નજીક
ભારતીય ટીમ વધુ એક ટેસ્ટ સીરિઝ જીતવાની અણી પર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમે મજબૂત પકડ જાળવી રાખી છે. પ્રથમ 3 મેચમાંથી ભારતે 2 મેચ જીતી હતી જ્યારે એક મેચ ઈંગ્લેન્ડના નામે રહી હતી. હવેલ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ મેચમાં પણ ભારત જીતની નજીક પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે અત્યાર સુધી કોઈ વિકેટ ગુમાવ્યા વિના 40 રન બનાવી લીધા છે. આવી સ્થિતિમાં, 152 વધુ બનતા જ આ મેચ રોહિતની સેનાના નામે થઈ જશે. આ સાથે આ સીરિઝ પણ ભારતીય ટીમના નામે થઈ જશે.
રવિચંદ્રન અશ્વિને મેચમાં વાપસી કરાવી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાંચી ટેસ્ટ મેચમાં ભારતની જીત મુશ્કેલ લાગી રહી હતી. મેચના બીજા દિવસ સુધી મેચ ઈંગ્લેન્ડની તરફેણમાં જતી દેખાઈ રહી હતી, ત્યારબાદ ભારતના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને મેચના ત્રીજા દિવસે પોતાની શાનદાર બોલિંગનું ઉદાહરણ રજૂ કર્યું. અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 5 બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. આ સિવાય કુલદીપ યાદવે ઈંગ્લેન્ડના 4 બેટ્સમેનોને પણ આઉટ કર્યા હતા. આનાથી વિરોધી ટીમની કમર તૂટી ગઈ અને 145ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે જે મેચ ઇંગ્લેન્ડની તરફેણમાં જતી હોય તેવું લાગી રહ્યું હતું તે હવે ભારતની તરફેણમાં થઈ ગઈ છે.


