- રાંચી ટેસ્ટમાં શોએબ બશીરનું શાનદાર પ્રદર્શન
- બશીરે ભારતની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી
- ઈંગ્લેન્ડ માટે સૌથી નાની વયે 5 વિકેટ લેનાર બોલર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શોએબ બશીરે શાનદાર બોલિંગ કરી હતી. ઇંગ્લેન્ડના આ સ્પિનરે ભારતની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ જોરદાર પ્રદર્શને કારણે તે ખાસ ક્લબમાં સામેલ થયો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં 5 વિકેટ લેનારો ઇંગ્લેન્ડનો બીજો સૌથી યુવા બોલર બન્યો હતો.
ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં 5 વિકેટ લેનાર સૌથી યુવા વ્યક્તિ બનવાનો રેકોર્ડ સ્પિન ઓલરાઉન્ડર રેહાન અહેમદના નામે છે. રેહાને વર્ષ 2022માં પાકિસ્તાન સામે રમાયેલી કરાચી ટેસ્ટમાં માત્ર 18 વર્ષની ઉંમરે 5 વિકેટ ઝડપી હતી. હવે શોએબ બશીરે 20 વર્ષની ઉંમરે આ કમાલ કરી બતાવ્યો છે.
ઈંગ્લેન્ડ માટે સૌથી નાની વયે 5 વિકેટ લેનાર બોલર
- 18 વર્ષ 128 દિવસ: રેહાન અહેમદ (5/48) વિ. પાકિસ્તાન કરાચી ટેસ્ટ 2022
- 20 વર્ષ 135 દિવસ: શોએબ બશીર (5/119) વિ. ભારત રાંચી ટેસ્ટ 2024
- 20 વર્ષ 182 દિવસ: બિલ વોસ (7/70) વિ વેસ્ટ ઈન્ડિઝ પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ 1930
- 20 વર્ષ 298 દિવસ: જેમ્સ એન્ડરસન (5/73) વિ ઝિમ્બાબ્વે લોર્ડ્સ ટેસ્ટ 2003
રાંચીમાં બશીરનો તરખાટ
શોએબ બશીર તેની કારકિર્દીની માત્ર બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ભારત સામેની વર્તમાન સિરીઝની વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ થયું હતું. તેણે પોતાની પ્રથમ મેચમાં 4 વિકેટ ઝડપી હતી. હવે તેણે રાંચીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બશીરે શુભમન ગિલ, રજત પાટીદાર, રવિન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલને પેવેલિયન મોકલીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર ધકેલી દીધુ હતું. મેચના ત્રીજા દિવસે તેણે આકાશ દીપને આઉટ પોતાની 5 વિકેટ પૂરી કરી હતી.
રસપ્રદ વાત એ છે કે ઈંગ્લેન્ડ દ્વારા ફેંકવામાં આવેલી કુલ ઓવરોમાંથી 40%થી વધુ ઓવર બશીરે એકલા ફેંકી હતી. તેણે કુલ 44 ઓવર ફેંકી. એક ખાસ વાત એ છે કે તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યુ પહેલા બશીરે માત્ર 6 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી અને 10 વિકેટ લીધી હતી.


