- લોકસભાની ચૂંટણીને લઇને પક્ષપલટાનો દોર શરૂ
- અરુણાચલ પ્રદેશમાં વિપક્ષને ફટકો
- કોંગ્રેસ-NPPના કુલ 4 ધારાસભ્યો જોડાયા ભાજપમાં
લોકસભાની ચૂંટણીની તારીખો આવતા મહિને જાહેર થાય તેવી શક્યતા છે. તેવામાં રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર તેજ બન્યો છે. રોજબરોજ કોઇને કોઇ પાર્ટી પક્ષ પલટો કરતા હોવાના સમાચાર સામે આવે છે ત્યારે હવે અરુણાચલ પ્રદેશમાં વિપક્ષને ધારદાર ફટકો પડ્યો છે.
અરુણાચલ પ્રદેશમાં વિપક્ષને ફટકો
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરથી બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ રિતેશ પાંડેએ રવિવારે BSPમાંથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. ત્યારે હવે અરુણાચલ પ્રદેશમાં મોટું પરિવર્તન આવ્યું છે. ત્યાં કોંગ્રેસના 2 ધારાસભ્યો સહિત 4 ધારાસભ્યો સત્તાધારી ભાજપમાં જોડાયા. પાર્ટી બદલનારાઓમાં એક પૂર્વ કેન્દ્રીય મંત્રીનો પણ સમાવેશ થાય છે.
કોંગ્રેસ-NPPના સભ્યોનો પક્ષપલટો
અરુણાચલ પ્રદેશમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના 2 ધારાસભ્યો અને 2 નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ધારાસભ્યો રવિવારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 4 ધારાસભ્યોના પક્ષપલટાને કારણે વિધાનસભામાં બંને પક્ષોના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે 60 સભ્યોની અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ અને NPP બંને પાસે 2-2 ધારાસભ્યો બાકી છે.
આ ધારાસભ્યો જોડાયા ભાજપમાં
કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ નિનોંગ એરિંગ અને વાંગલિન લોઆંગડોંગ તેમજ એનપીપીના મુત્ચુ મીઠી અને ગોકર બસર ઇટાનગરમાં પાર્ટીના મુખ્યાલયમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બ્યુરામ વાહગે પણ હાજર હતા.
ભાજપનો 56 બેઠકો પર કબજો
મહત્વનું છે કે હાલ અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે અને પેમા ખાંડુ મુખ્યમંત્રી છે. ભાજપે હવે અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા બેઠકોમાંથી 56 બેઠકો કબજે કરી લીધી છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર 41 બેઠકો જીતવામાં સફળ રહી હતી.


