- નજીકના ભવિષ્યમાં ક્લિનિક ટ્રાયલ પણ શરૂ થઈ જશે
- ઔષધીય ગુણોવાળા મસાલાના ઉપયોગથી બનનારી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય
- સુરક્ષા અને ખર્ચનો મુદ્દો કેન્સરની દવાઓની બાબતમાં આગળ પડતા પડકાર
મસાલા માત્ર ભોજનમાં સ્વાદ ઉમેરવાનું કામ જ નથી કરતા, બલકે, ઘણા એવા મસાલા છે જે કેન્સર જેવી બીમારીના ઇલાજમાં રામબાણ સાબિત થાય છે. એને જોતાં, આઇઆઇટી મદ્રાસના સંશોધકોએ એવા ભારતીય મસાલાના ઉપયોગની પેટન્ટ કરાવી છે, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓની સારવારમાં સફળ પુરવાર થઈ શકે છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે ઔષધીય ગુણોવાળા આ મસાલાના ઉપયોગથી બનનારી દવાઓ 2028 સુધીમાં બજારમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.
અધિકારીએ જણાવ્યું કે ભારતીય મસાલાથી બનેલી નેનો દવાઓએ ફેફસાં, બ્રેસ્ટ, કોલન, સર્વાઇકલ, ઓરલ, અને થાઇરોઇડમાં કેન્સર કોશિકાઓ (સેલ્સ) પર અસર દેખાડી છે. જોકે, આ દવાઓ સામાન્ય કોશિકાઓમાં સુરક્ષિત જોવા મળી હતી. સંશોધકો અત્યારે કેન્સરની દવાઓની સુરક્ષા અને ખર્ચના મુદ્દે કામ કરી રહ્યા છે. સુરક્ષા અને ખર્ચનો મુદ્દો કેન્સરની દવાઓની બાબતમાં આગળ પડતા પડકાર છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ પ્રાણીઓ પર સફળતાપૂર્વકનું અધ્યયન કરવામાં આવ્યું હતું. હવે 2027-28 સુધી આ દવાઓને બજારમાં ઉપલબ્ધ કરાવવાના લક્ષ્ય સાથે ક્લિનિકલ ટ્રાયલની યોજના ઘડવામાં આવી રહી છે.
નેનો-ઓન્કોલોજીમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી
આઇઆઇટી મદ્રાસના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર આર. નાગરાજને કહ્યું કે, આરોગ્ય લાભ માટે યુગોથી ભારતીય મસાલા જાણીતા છે. તેમની જૈવ ઉપલબ્ધતાએ તેના પ્રયોગ અને ઉપયોગને સીમિત કરી નાખ્યા છે. નેનો-ઇમલ્શનનું સૂત્ર આ સીમાને પાર કરી દે છે. નેનો-ઇમલ્શનની સ્થિરતા પર વિચાર કરવો મહત્ત્વનો હતો અને અમારી પ્રયોગશાળામાં આ સૂત્રને અપનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સક્રિય અવયવો અને કેન્સર કોશિકાઓની સાથે સંપર્કની રીતોને ઓળખવા માટે અભ્યાસ જરૂરી છે અને આપણી પ્રયોગશાળાઓમાં આ અધ્યયન ચાલી રહ્યાં છે.


