- રોડ પર અનેક ખાડા, વાહન પણ સાચવીને ચલાવવું પડે
- લોકોને હળાહળ અન્યાયઃ નેતા માટે કામ કરતું તંત્ર પ્રજા માટે નિષ્ક્રીય
- ગામમાં તેની બીજીબાજુ રસ્તાની બદતર હાલત છે
ધોળાકૂવા ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર સાંસદ જે રસ્તે આવવાના છે તે રસ્તો રાતોરાત ચકાચક બનાવી દેવાયો, જ્યારે એ જ ગામમાં તેની બીજીબાજુ રસ્તાની બદતર હાલત છે. આ રસ્તા પર ચાલીને જવું જ મુશ્કેલ છે. કોર્પોરેશને ઈચ્છયું હોત તો આ રોડ પણ સાથેસાથે રિપેર કરી શકાયો હોત. આ પ્રકારે અવગણના કરવામાં આવતા આ વિસ્તારના રહીશોમાં ભારોભાર આક્રોશ ઉઠયો છે.
ધોળાકૂવામાં અમીત શાહ નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવા જે રસ્તે જવાના છે તે દોઢેક કિમીનો માર્ગ કોર્પોરેશન દ્વારા ફટાફટ રિસર્ફેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ ગામમાં બીજા ઘણા રસ્તાની હાલત ખરાબ છે. જે ખરાબ રસ્તા પર ડામર પાથરીને તેની સપાટી લીસી કરવામાં આવી છે તેની બીજી બાજુ ગામમાં બીજા રસ્તાની હાલત ઉબડખાબડ જોવા મળે છે. આ રસ્તા પર અનેક જગ્યાએ ખાડા જોવા મળે છે. વાહન પણ સાચવીને ચલાવવું પડે તેવી હાલત છે. જ્યારે આ તૂટેલા રસ્તા પર પગપાળા જવું બિલકુલ મુશ્કેલ છે. તેમાંપણ બાળકો અને વૃધ્ધો આ તૂટેલા રોડ પરથી ચાલીને જઈ શકતા નથી. એક જ ગામમાં આ પ્રકારે નાગરિકો સાથે મ્યુનિ તંત્ર દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે. રાજકીય નેતા માટે કોર્પોરેશને રાતોરાત તૂટેલા રસ્તાને રિસર્ફેશ કર્યો. આ એ ગામ છે જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. લોકોએ આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પર ભરોસો મૂકી વોટ આપ્યા, પરંતુ હવે રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારવા પડે છે. ગામમાં પ્રાથમિક શાળાના ઉદ્દઘાટન માટે આવી રહેલા સાંસદ અને કેન્દ્ર મંત્રીની નજરે બધું સારું બતાવવા માટે કોર્પોરેશને હાથીના દાંત દેખાડવાનો પ્રયાસ કર્યો હોવાનું લોકો કહી રહ્યા છે. સ્કુલ તરફ જતા રસ્તાની જેમ અન્ય રોડ પણ રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


