- કેરળના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી પીએમ મોદીએ કરી એસ્ટ્રોનોટ્સના નામની જાહેરાત
- તમામ એસ્ટ્રોનોટ્સ ટેસ્ટ પાયલટ તરીકે કામ કરવાનો લાંબા સમયનો અનુભવ ધરાવે છે
- કોઈ પણ પ્રકારની ગડબડ થાય તો તાત્કાલિક પગલાં લેવા માટે તેઓ પહેલેથી જ પ્રશિક્ષિત
ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન ‘ગગનયાન’ માટે 4 અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે 27 ફેબ્રુઆરીના આ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમ નજીક થુમ્બામાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે તેમના નામોની જાહેરાત કરી.
ગગનયાન મિશન માટે નામાંકિત અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે, જેમને PM દ્વારા ‘અવકાશયાત્રી પાંખો’ આપવામાં આવી હતી.
નામાંકિત અવકાશયાત્રીઓમાં ભારતીય વાયુસેના (IAF)ના કાં તો વિંગ કમાન્ડર છે અથવા તો ગ્રુપ કેપ્ટન છે. જેમને ટેસ્ટ પાયલટ તરીકે કામ કરવાનો લાંબા સમયનો અનુભવ છે. એવામાં, સમજી શકાય છે કે જો કંઈપણ ગડબડ થાય છે, તો તે મુજબ તાત્કાલિક પગલાં લેવા માટે તેઓ પહેલેથી જ પ્રશિક્ષિત છે.
એસ્ટ્રોનોટ્સની તાલીમ હાલમાં કર્ણાટકના બેંગલુરુમાં સ્પેસ એજન્સીના એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી સેન્ટર ખાતે ચાલી રહી છે. ISRO અને રશિયન અવકાશ એજન્સી રોસકોસમોસના એકમ ગ્લાવકોસમોસ વચ્ચે જૂન 2019માં તેમની તાલીમ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જ્યારે ફેબ્રુઆરી 2020 થી માર્ચ 2021 સુધી, તેઓને રશિયામાં યુરી ગેગરિન કોસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ આપવામાં આવી હતી.
અમેરિકન સ્પેસ એજન્સી NASA પણ આ એસ્ટ્રોનોટ્સને 2024ના અંતમાં મિશન માટે તાલીમ આપશે અને આ વાતની પુષ્ટિ નાસાના બિલ નેલ્સને દિલ્હીમાં 2023માં કરી હતી. જો કે, આ અવકાશયાત્રીઓની પસંદગી IAFના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિનમાં કરવામાં આવી છે.
4માંથી માત્ર 3 જ ગગનયાન મિશનના ભાગરૂપે અવકાશમાં જશે. 3 દિવસના મિશન બાદ આ લોકોને પૃથ્વી પર પરત લાવવામાં આવશે અને બાદમાં તેમનું લેન્ડિંગ સમુદ્રમાં કરવામાં આવશે.


