શાપરમાં અઢી કરોડની ધાડમાં ખેતરનો જૂનો ભાગ્યો જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ
ફરિયાદીની વાડીમાં જ એક વર્ષ સુધી ભાગ્યા તરીકે કામ કરી ચૂકેલા શખ્સે ઘડ્યો હતો લૂંટનો આખો પ્લાન
સાગર મેડા સહિત બે શખ્સોએ કરી હતી રેકી, પપ્પુ મછાડે ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહુચર્ચિત અઢી કરોડ રૂપિયાની સનસનીખેજ ધાડના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ સમગ્ર લૂંટનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં, પણ ફરિયાદીની જ વાડીમાં અગાઉ કામ કરી ચૂકેલો જૂનો ભાગ્યો (ખેતમજૂર) નીકળ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ આઠેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મુખ્ય સૂત્રધાર એવો આ ભાગ્યો ફરિયાદીની વાડીમાં અગાઉ એક આખું વર્ષ ખેતી કામ કરી ચૂક્યો હતો. આ સમય દરમિયાન તેને વાડી માલિકની આર્થિક સ્થિતિ અને પૈસાની લેણદેણ અંગે સંપૂર્ણ માહિતી મળી ગઈ હતી. ટૂંકા સમયમાં શ્રીમંત બની જવાના ઈરાદે તેના મગજમાં આ ધાડ પાડવાનો વિચાર આવ્યો હતો અને તેણે પોતાના સાગરીતો સાથે મળીને આખો પ્લાન તૈયાર કર્યો હતો.
આ ગુનાને અંજામ આપવા માટે પદ્ધતિસરનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપી સાગર મેડા સહિત અન્ય બે શખ્સોએ વાડી અને તેની આસપાસના વિસ્તારની ઝીણવટભરી રેકી કરી હતી. જ્યારે અન્ય સહ-આરોપી પપ્પુ મછાડે લૂંટના આ પ્લાનને ચોક્કસ કઈ રીતે અંજામ આપવો તેની જવાબદારી સ્વીકારી ગુનાને આખરી ઓપ આપ્યો હતો.
પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના આધારે કડક પગલાં ભરીને લૂંટમાં સામેલ તમામ ૮ આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ દાહોદના પ્રોપર છે, જ્યારે બાકીના ૬ આરોપીઓ દાહોદ જિલ્લાના જ જાંબવા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી છે.


