- દાતાએ ગૌશાળામાં દાન આપી માદરે વતનનું ઋણ ચૂકવ્યું
- શેડ બનાવવા માટે લાખો રૂપિયાનું દાન
- બનાસકાંઠાના લોકો અત્યારે વ્યવસાય અર્થે વિદેશમાં સ્થાયી થયા
જુનાડીસા ગામના વતની અને હાલ વિદેશમાં રહી માર્બલનો વ્યવસાય કરતા મેવાડા પરિવારે માદરે વતનના વિકાસમાં પોતાનો સહયોગ આપ્યો છે. અને શાંતિધામ અને રાધે ક્રિષ્ના ગૌશાળાના વિકાસ માટે ટ્રેક્ટર અને શેડ બનાવવા માટે લાખો રૂપિયાનું દાન કરી માદરે વતનનું ઋણ ચૂકવ્યું છે.
બનાસકાંઠાના અનેક લોકો અત્યારે વ્યવસાય અર્થે વિદેશમાં સ્થાયી થયા છે. પરંતુ તેમના દિલમાં આજે પણ વતનની યાદો હંમેશા તરોતાજી રહે છે અને પોતાના ગામને અને માદરે વતનના વિકાસ માટે તેઓ હંમેશા પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરતા જ રહે છે. ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામના વતની મનહરભાઈ ઉર્ફે બબલુભાઈ શંકરભાઈ મેવાડા પણ વર્ષો પહેલા ધંધાર્થે ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા છે અને હાલ તેઓ માર્બલનો વ્યવસાય કરી આર્થિક રીતે સમૃદ્ધિ બન્યા છે.
ત્યારે તેમના માદરે વતનના વિકાસ માટે તેમણે લાખો રૂપિયાનું દાન કર્યું છે. જુનાડીસા ગામમાં શાંતિધામ અને રાધે ક્રિષ્ના ગૌશાળાના વિકાસ માટે એક ટ્રેક્ટર અર્પણ કર્યું છે અને શેડ બનાવવા માટે પણ તેમને લાખો રૂપિયાનું દાન આપ્યું છે. રાધે રાધે ક્રિષ્ના ગૌશાળામાં તેમના હસ્તે નવીન શેડ બનાવવાનું ખાતમુહુર્ત કરાયું હતું. એટલું જ નહીં પરંતુ પોતાના ગામના વિકાસ માટે તેઓ હંમેશા તૈયાર રહેવાની તત્પરતા બતાવી હતી. આ પ્રસંગે જુનાડીસા ગામના દિલીપભાઈ બારોટ, જગદીશભાઈ માળી, અરવિંદભાઈ મોદી, રમેશભાઈ ભાટી, નટુભાઈ રાજગોર અને આગેવાનો, યુવાનો, ગૌશાળા અને શાંતિધામના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


