જેતપુર સિવિલમાં નવી બિલ્ડીંગનું કામ અટકયું સ્ટાફની અછતથી દર્દીઓ પરેશાન
મામલતદારને આવેદન પાઠવી વ્યવસ્થા કરવા કોંગ્રેસની માંગ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ છેલ્લા ઘણા સમયથી લટકી પડતા અને હોસ્પિટલમાં ખાલી પડેલી જગ્યાઓ તથા અન્ય સુવિધાઓના અભાવને લઈને રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંગઠન દ્વારા આ મામલે લેખિતમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
જેતપુર સિવિલ હોસ્પિટલ, જે માત્ર શહેર જ નહીં પરંતુ આસપાસના અનેક ગામડાઓ અને અન્ય તાલુકાઓની જનતા માટે આરોગ્યની મુખ્ય આધારશીલા છે, તે હાલમાં ગંભીર ઉપેક્ષાનો સામનો કરી રહી છે. રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલની કથળતી જતી સ્થિતિ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જેતપુર સિવિલ હોસ્પિટલ માટે નવી બિલ્ડીંગ વર્ષ 2022-2023માં મંજૂર કરવામાં આવી હતી. જોકે, મંજૂરી મળ્યાના પાંચ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી જૂની બિલ્ડીંગનું ડિમોલિશન પણ શરૂ કરવામાં આવ્યું નથી, જ્યારે અન્ય સ્થળોએ હોસ્પિટલના કામો પૂર્ણ થઈ રહ્યા છે.
હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર, ગાયનેક, ફિઝિશિયન અને એન.સી.ડી. મેડિકલ ઓફિસર જેવી મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, ઓ.પી.ડી. વિભાગમાં દર્દીઓ માટે ઉભા રહેવાની સુવિધા નથી, સોનોગ્રાફી ડોક્ટરનો અભાવ છે અને સિક્યોરિટી ગાર્ડની પણ જરૂરિયાત છે. હોસ્પિટલના ગેટ પાસે વાહનોના પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને એમ્બ્યુલન્સને પણ અવર-જવરમાં અડચણ પડે છે.
યુવક કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેતપુર યુવક કોંગ્રેસે મામલતદારને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો એક મહિનાની અંદર સિવિલ હોસ્પિટલની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપવામાં આવી છે.


