- આરોપી અધિકારી પાસે ચેક ઈશ્યૂ કરવાની કે પેમેન્ટ કરવાની સત્તા નહોતી
- સત્તા ન હોવા છતાં ચેક ઈસ્યુ કર્યા અને પેમેન્ટ પણ કર્યું
- 18 કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ક્લાસ વન ઓફિસરના જામીન ફગાવાયા
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા જુદી જુદી છ નકલી સરકારી કચેરીઓના કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા કલાસ વન ઓફ્સિર આરોપી અને દાહોદ પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર કચેરીના આસિસન્ટન્ટ કમિશનર વિશ્વદીપસિંહ મહિપતસિંહ ગોહિલને આગોતરા જામીન આપવાનો જસ્ટિસ જે.સી.દોશીએ સાફ્ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે જણાવ્યું કે, સરકારની જાહેર તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી નાણાંકીય ઉચાપતનું આ ગંભીર કૌભાંડ છે અને તેની તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જરૂરી છે, તેથી તેને આગોતરા જામીન આપી શકાય નહીં.
રાજ્યભરમાં નકલી કચેરીઓના કૌભાંડને પગલે ખુદ રાજય સરકાર અને સત્તાવાળાઓ પણ સ્તબ્ધ અને હતપ્રભ થઇ ગયા હતા. દાહોદ પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટર કચેરીના આસિસ્ટન્ટ કમિશનર અને કલાસ વન ઓફિસર એવા આરોપી વિશ્વદીપસિંહ મહિપતસિંહ ગોહિલની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા સરકારપક્ષ દ્વારા જણાવાયું કે, દાહોદના પ્રોજેકટ એડમિનિસ્ટ્રેટરની કચેરીના સિનિયર કલાર્ક ભાવેશ બામણીયા દ્વારા આ સમગ્ર કૌભાંડને લઇ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ સમગ્ર કૌભાંડમાં ખુદ સરકારી કર્મચારીઓ અને ખાનગી માણસો સંડોવાયેલા છે. આરોપીઓએ ખુદ સરકારી અધિકારી તરીકેના પોતાના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરી સરકારના કામોની ગ્રાંટ, સેલેરી બિલ, ભથ્થાં બીલ સહિતની બાબતોમાં ખોટા હુકમો, તેની મંજૂરી અને રકમની ફાળવણી કરી કરોડો રૂપિયાના ખુદ સરકારના જ નાણાંકીય ભંડોળની ઉચાપત કરી હતી. જેના કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો બહુ મોટો આર્થિક ફ્ટકો પડયો છે. આરોપી પાસે ઇન્ટીગ્રેશન અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ સંબંધી સરકારની જુદી જુદી સ્કીમોના અમલીકરણ સહિતની બાબતોનો પણ ચાર્જ હતો. નકલી કચેરી કૌભાંડમાં આરોપી વિશ્વદીપસિંહ ગોહિલ મુખ્ય સૂત્રધાર છે. આરોપી પાસે ચેકો ઇશ્યૂ કરવાની કે પેમેન્ટ કરવાની કોઇ સત્તા જ ન હતી, છતાં તેમણે જુદી જુદી સરકારી યોજનાઓના કામો મંજૂર કરી, તે પેટે ચેકો ઇશ્યૂ કરી, બારોબાર પેમેન્ટ કરી દીધુ હતું. આ સમગ્ર કૌભાંડમાં તેની સાથે અન્ય સરકારી અધિકારીઓ પણ સામેલ હતા. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં 100 જેટલી જુદી જુદી યોજનાઓના ઓઠા હેઠળ ગેરકાયદે મંજૂરી, ફળવણી અને પેમેન્ટ કરી સરકારની તિજોરીને રૂ.18 કરોડ, 59 લાખ, 96 હજાર, 744 જેટલી બહુ મોટી રકમનું ગંભીર આર્થિક નુકસાન પહોંચાડી કરોડોની નાણાંકીય ઉચાપત કરી છે. પેમેન્ટના ચેકો ઇશ્યુ કરવાની સત્તા માત્ર ટ્રેઝરી ઓફ્સિ પાસે જ હોય તેમ છતાં આરોપી વિશ્વદીપસિંહ ગોહિલે ગેરકાયદે ચેકો ઇશ્યૂ કરી કરોડો પેમેન્ટ કરી દીધા હતા.
આ એક સિસ્ટમેટિકલી ડિઝાઇન્ડ એન્ડ વેરી વેલ પ્લાન્ડ ઇકોનોમીક ઓફેન્સ : હાઇકોર્ટ
હાઈકોર્ટે ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આ સરકારી નકલી કચેરીઓમાં જુદા જુદા કામોની 100 જેટલી દરખાસ્તો મોકલાઇ હતી, તેમાંથી 96 દરખાસ્તોમાં આરોપી સંડોવાયેલો છે. તેણે કોઇ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કે ખરાઇ કર્યા વિના બારોબાર ચેકો ઇશ્યુ કરી પેમેન્ટ કરી રૂ.18 કરોડથી વધુની નાણાંકીય ઉચાપત કરાઇ છે. પ્રથમ દર્શનીય રીતે જ સ્પષ્ટ થાય છે કે, સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું બહુ મોટું નુકસાન થયું છે. આરોપીઓએ જુદા જુદા 130 જેટલા બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી તેની ઉચાપત કરી છે. આ એક બહુ પધ્ધતિસર રીતે રચાયેલા અને પૂર્વ આયોજન કરી તૈયાર કરેલ આર્થિક ગુનો (સિસ્ટમેટિકલી ડિઝાઇન્ડ અને વેરી વેલ પ્લાન્ડ ઇકોનોમીક ઓફેન્સ) છે.


