- ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટની કામગીરી શરૂ
- PM નરેન્દ્ર મોદી 12 માર્ચે કરશે ખાતમુહૂર્ત
- કાર્ગો મોટર્સથી બત્રીસી ભવનનો 500 મીટર રોડ વાહનો માટે બંધ
અમદાવાદના ગાંધીઆશ્રમનો રોડ આજથી બંધ થયો છે. જેમાં 1970માં બનેલો રોડ કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. તેમાં નવા રોડ પર વાહનચાલકો ડાયવર્ટ થયા છે. જેમાં ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ખાતમુહૂર્ત કરશે.
કાર્ગો મોટર્સથી બત્રીસી ભવનનો 500 મીટર રોડ વાહનો માટે બંધ
હવેથી કાર્ગો મોટર્સથી બત્રીસી ભવનનો 500 મીટર રોડ વાહનો માટે બંધ રહેશે. જેમાં ગાંધી આશ્રમ નજીક બનેલો રોડ વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો છે. વર્ષો જૂનો રોડ બંધ થતા જ શહેરીજનોને નવો રોડ મળ્યો છે. નવા રોડથી સીધુ મોઢેરા, સાબરમતી સરળતાથી પહોંચી શકાશે. ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટની સીધી દેખરેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં કે કૈલાશનાથન કરે છે. અગાઉ 22મી ફેબ્રુઆરીએ PMની મુલાકાત દરમિયાન ભૂમિપૂજન થવાનું હતું, પરંતુ બાદમાં નવી તારીખ 12 માર્ચ નક્કી કરવામાં આવી હતી.
500 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. જેથી ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. જેના માટે કોર્પોરેશન દ્વારા આસપાસમાં રહેતા લોકો અને હોટેલ રેસ્ટોરન્ટના વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા. જે તમામ પર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 500 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


